- વડોદરામાં લાલુ સિન્ધી ગેંગનો આતંક ખતમ કરવા પોલીસ એક્શન મોડમાં; 12 સાગરીતો સામે નોંધાયો ગુજસીટોક.
- 10 વર્ષમાં ખૂન, ખંડણી અને દારૂની હેરાફેરી સહિત કુલ 106 ગુનાઓ આચર્યા હોવાનો પર્દાફાશ.
- ગેંગનો એક સાગરીત ઝડપાયો, 4 જેલમાં, જ્યારે લાલુ સિન્ધી સહિત 7 આરોપીઓને પકડવા પોલીસની દોડધામ.
વડોદરા શહેર અને સમગ્ર રાજ્યમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતી અને ગુનાહિત પ્રવૃત્તિઓથી હાહાકાર મચાવતી કુખ્યાત લાલુ સિન્ધી ગેંગ સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. સંગઠિત ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા માટે આ ગેંગના 12 સભ્યો સામે છેવટે પોલીસે ‘ગુજસીટોક’ (GCTOC) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.
🧐આતંકનો ઇતિહાસ:
લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી અને તેની ટોળકીએ છેલ્લા 10 વર્ષમાં વડોદરા તેમજ આસપાસના જિલ્લાઓમાં આતંક ફેલાવ્યો છે. આ ગેંગ સામે ખૂન, ખંડણી, ધાડ, આર્મ્સ એક્ટ, રાજ્ય સેવક પર હુમલો અને વિદેશી દારૂની હેરાફેરીના કુલ 106 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ સંગઠિત ટોળકી દ્વારા વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું અને અગાઉના અટકાયતી પગલાંઓ છતાં તેમની પ્રવૃત્તિઓ અટકી નહોતી.
👮પોલીસ કાર્યવાહી:
એ.સી.પી. પ્રણવ કટારિયાને સોંપવામાં આવેલી આ કેસની તપાસમાં અત્યાર સુધીમાં 12 આરોપીઓ પૈકી મુકેશ નારાયણદાસ માખીજાની (તરસાલી)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગેંગના 4 સાગરીતો સુનીલ અદ્દો, ધર્મેન્દ્ર ઉર્ફે લાલો ચૌહાણ, મનોજ પાપડ અને જીતેન્દ્ર ચૌહાણ હાલ જેલમાં છે.
🚨ફરાર આરોપીઓ:
ગેંગનો મુખ્ય સૂત્રધાર લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી સહિત સાત આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓમાં અનિલ એન્થોની, કાલુ ટોપી, મોહિત અગ્રવાલ, હિમાંશુ અગ્રવાલ, હેમંત સચવાણી અને દીપેન વાળાનો સમાવેશ થાય છે. જેમને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.
👉તંત્ર સામે પડકાર:
ઉલ્લેખનીય છે કે, લાલુ સિન્ધી ગેંગ સામે 10 વર્ષમાં 100થી વધુ ગુના નોંધાયા હોવા છતાં, પુરાવાના અભાવે મોટાભાગના કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે. અગાઉ મુકેશ હરજાણીની હત્યામાં પણ આ ગેંગના સાગરીતો સામે ગુનો પુરવાર થઈ શક્યો નહોતો. ત્યારે હવે ગુજસીટોક જેવી કડક કલમો હેઠળ પોલીસ આરોપીઓને સજા અપાવવામાં કેટલી સફળ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.