વડોદરા શહેરમાં હવે માથાભારે તત્વોની ખેર નહિ. કારણકે, હવે મૂળ કર્ણાટકના નરસિમ્હા કોમરએ વડોદરા પોલીસ કમિશ્નરનો ચાર્જ સાંભળતાના 24 કલાકમાં જ માથાભારે તત્વો સામે કાર્યવાહી શરુ કરી દીધી છે. જેને લઈને ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા શહરેના વિવિધ વિસ્તારોમાં દારૂની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને માથાભારે છાપ ધરાવતા બુટલેગર મુક્કુ ઉર્ફે મુકેશ નારાયણદાસ મખીજાની સામેની પાસા દરખાસ્ત કરવામાં આવી હતી.
અને આ દરખાસ્તને વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મંજુરી આપી છે. જેને લઇને પાસા વોરંટ અંતર્ગત બુટલેગર મક્કુને અટકાયત કરી તેને પાલનપુર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશ્નરની આવી કામગીરીથી લોકોમાં પણ સુરક્ષાનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.
તરસાલીનો રહેવાસી 46 વર્ષીય બુટલેગર મુક્કુની સામે મંજુસર, બાપોદ, વડોદરા તાલુકા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત 24 ગુનાઓ નોંધાયા છે. જેને લઈને મુક્કુની જાન્યુઆરી મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. અને હવે તેને પાસા વોરંટ અંતર્ગત પાલનપુર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ વિભાગની આ કામગીરીને લઈને બુટલેગરો તેમજ માથાભારે આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.