Vadodara

વડોદરા: કોર્ટ સંકુલમાં પોલીસની મોટી બેદરકારી; 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર પોક્સોનો આરોપી જાપ્તામાંથી છૂ મંતર

Published

on

  • પોલીસને ચકમો: સયાજીગંજ પોલીસ સ્ટેશનના 2020ના પોક્સોના ગુનાનો આરોપી અજય ઉર્ફે આકાશ રોકડી કોર્ટમાંથી ફરાર.
  • શૌચાલયના બહાને ખેલ: કોર્ટમાં રજૂ કર્યા બાદ શૌચાલય જવાનું કહી પરત ફરતી વખતે RSIની પકડમાંથી ભાગી છૂટ્યો.
  • ગંભીર ગુનો: 8 વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત આચરનાર આરોપી જેલમાંથી તારીખે લવાયો હતો અને પોલીસની નજર ચૂકવી નાસી ગયો.
  • સુરક્ષા સામે સવાલ: ભરચક કોર્ટ સંકુલમાં પોલીસ જાપ્તા વચ્ચેથી આરોપી ભાગી જતાં પોલીસ તંત્રની આબરૂના ધજાગરા.

વડોદરા: વડોદરાની અદાલતના સંકુલમાં આજે પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનાનો આરોપી પોલીસ જાપ્તાની નજર ચૂકવી ભાગી છૂટતા સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. સયાજીગંજ વિસ્તારનો આ નરાધમ આરોપી ભરેલી કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે.

🧐ઘટનાની વિગત:

મળતી માહિતી મુજબ, સયાજીગંજ પરશુરામના ભઠ્ઠામાં રહેતા 26વર્ષીય અજય ઉર્ફે આકાશ દિનેશ રોકડી સામે વર્ષ 2020માં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ નરાધમે એક 8 વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં જેલ ભોગવી રહેલા અજયની સોમવારે કોર્ટમાં મુદત હોવાથી પોલીસ જાપ્તા સાથે તેને બપોરે 3:15વાગ્યે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

🚹શૌચાલયના બહાને ભાગ્યો:

આરોપીને કોર્ટના પહેલા માળે રજૂ કર્યા બાદ તેણે શૌચાલય જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એચ.યુ. (H.U.) ના આર.એસ.આઈ. (RSI) પાટીલ તેને શૌચાલય લઈ ગયા હતા. જોકે, ત્યાંથી પરત લાવતી વખતે આરોપી અજયે પોલીસની પકડ ઢીલી જોઈ તકનો લાભ લીધો હતો અને આર.એસ.આઈ.ને ચકમો આપી પહેલા માળેથી દોડીને કોર્ટ સંકુલની બહાર ભાગી છૂટ્યો હતો.

🚨પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ:

ભરચક કોર્ટ સંકુલમાં અને ચુસ્ત પોલીસ જાપ્તા વચ્ચેથી પોક્સો જેવો ગંભીર ગુનો કરનાર આરોપી કેવી રીતે ભાગી શકે? તે એક મોટો સવાલ ઉભો થયો છે. આ ઘટનાને પગલે કોર્ટ સંકુલમાં અફરાતફરી મચી ગઈ હતી અને સયાજીગંજ પોલીસે આરોપીને ફરી ઝડપી પાડવા માટે નાકાબંધી સહિતની કાર્યવાહી તેજ કરી છે.

🫵એક તરફ પીડિત બાળકીને ન્યાય અપાવવાની લડાઈ ચાલી રહી છે, ત્યારે પોલીસની આવી શિથિલતા ગુનેગારોના હોસલા વધારે છે.

Trending

Exit mobile version