24 કલાકમાં બીજો બનાવ:વડોદરામાં અખાદ્ય ખોરાકનું વેચાણ બેરોકટોક; એક જ દિવસમાં અલગ-અલગ બે વિસ્તારોમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળતા ચકચાર.
વેપારીનો લૂલો બચાવ: “સમોસા બહારથી તૈયાર મંગાવીએ છીએ, અંદર શું છે અમને ખબર નથી” કહી ગ્રાહક સામે હાથ અધ્ધર કરતા દુકાનદાર.
મોટા વેપારીઓ સામે આંખ આડા કાન:પાલિકાની ખોરાક શાખા માત્ર નાના લારી-ગલ્લાવાળાઓને દંડ ફટકારે છે, મોટા વેપારીઓ સામે કેમ નરમ વલણ? લોકોનો સવાલ.
કમિશનરની ચેતવણી બેઅસર:કમિશનર દ્વારા વારંવાર કડક પગલાંની સૂચના છતાં એસી ઓફિસોમાંથી બહાર ન નીકળતા આરોગ્ય વિભાગના અધિકારીઓ.
સંસ્કારી નગરી વડોદરામાં નાગરિકોના આરોગ્ય અને જીવ સાથે વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સતત સામે આવી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત કે કીડા નીકળવાના બે અલગ-અલગ બનાવો સામે આવતા વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ખોરાક શાખા (Food Department) ની પોલ ખુલ્લી પડી ગઈ છે. હજી વાડી વિસ્તારમાં બનેલી આવી જ એક ઘટના શાંત થઈ નહોતી ત્યાં બુધવારે સુભાનપુરા વિસ્તારમાં આવેલા ‘ભાવનગરી ગાંઠિયા’ નામના ફરસાણના પ્રખ્યાત આઉટલેટમાંથી ખરીદાયેલા સમોસામાંથી જીવાત મળી આવતા ગ્રાહકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
🧐ગ્રાહક સમોસો ખાવા ગયો ને અંદર જીવાત દેખાઈ:
મળતી માહિતી મુજબ, સુભાનપુરા સ્થિત ‘ભાવનગરી ગાંઠિયા’ની દુકાનેથી એક ગ્રાહકે ખાવા માટે સમોસા ખરીદ્યા હતા. ગ્રાહક જેવો સમોસો ખાવા ગયો કે તરત જ તેની નજર અંદર રહેલી જીવાત પર પડી હતી. આ જોઈને ચોંકી ઉઠેલા ગ્રાહકે તાત્કાલિક દુકાનદારને બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે, પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા વેપારીએ એવો લૂલો બચાવ કર્યો હતો કે, “આ સમોસા અમે જાતે નથી બનાવતા, બહારથી તૈયાર મંગાવીએ છીએ. એટલે અંદર શું છે તેની અમને જાણ નથી.” વેપારીના આવા બેજવાબદાર વર્તનથી ત્યાં હાજર લોકોમાં નારાજગી બમણી થઈ ગઈ હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આવો જંતુયુક્ત અને અખાદ્ય સમોસો કોઈ માસૂમ બાળકે ખાઈ લીધો હોત, તો તેના સ્વાસ્થ્ય પર કેટલું મોટું જોખમ ઊભું થઈ શકત?
🤨પાલિકા તંત્ર અને ખોરાક શાખા શંકાના ઘેરામાં:
આ સતત બનતી ઘટનાઓએ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિકોનો આક્ષેપ છે કે ખોરાક શાખા માત્ર દેખાવ ખાતર ચેકિંગની નાટકબાજી કરે છે. નાના લારી-ગલ્લા ધારકો કે સામાન્ય વેપારીઓને ત્યાં જઈને મોટા મોટા દંડ ફટકારતા અધિકારીઓ, આવા મોટા સ્તરે ચાલતા ક્વોલિટીના લોચા અને બેદરકારી સામે કેમ આંખ આડા કાન કરી રહ્યા છે? શું મોટા વેપારીઓને પાલિકાના અધિકારીઓનું છૂપું પીઠબળ છે? તેવા સવાલો પ્રજા પૂછી રહી છે.
❓શું કમિશનર દાખલારૂપ કડક કાયદાકીય પગલાં લેશે?
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અવારનવાર અધિકારીઓને કામગીરીમાં વેઠ ઉતારવા બદલ કે બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શન સુધીની કડક ચેતવણીઓ આપવામાં આવી છે. આમ છતાં, માત્ર 24 કલાકમાં પ્રજાના આરોગ્યને જોખમમાં મૂકતા બે ગંભીર બનાવો સામે આવતા કમિશનરના આદેશો હવામાં ઊડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. હવે વડોદરાવાસીઓમાં એ ચર્ચા જોર પકડી રહી છે કે, શું કમિશનર લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા નફ્ફટ વેપારીઓ અને તેમને છાવરતા બેદરકાર ફૂડ ઓફિસરો સામે કોઈ કડક તેમજ દાખલારૂપ કાર્યવાહી કરશે, કે પછી આ મામલો પણ દર વખતની જેમ માત્ર કાગળ પર નોટિસ આપીને દબાવી દેવાશે?
🫵પ્રજાના ટેક્સના પૈસેથી લાખો રૂપિયાનો પગાર મેળવતા અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહેવાના બદલે મેદાનમાં ઉતરીને તમામ હોટલો, રેસ્ટોરન્ટો અને ફરસાણના ડેપો પર વહેલી તકે કડક ચેકિંગ હાથ ધરે તેવી લોક માંગ દિવસેને દિવસે વધુ તેજ બની રહી છે.