- ચોર ઝડપાયો: એસી કમ્પ્રેશરની કોપર પાઈપો ચોરતા રીઢા તસ્કરને ફતેહગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.
- બાતમીના આધારે ટ્રેપ: છાણી જકાતનાકા પાસે સાઈકલ પર ચોરીનો મુદ્દામાલ લઈને પસાર થતા આરોપી ‘ગોરા’ને પોલીસે દબોચ્યો.
- કબૂલાત: નિઝામપુરા બસ ડેપો પાસેના કોમ્પ્લેક્સમાંથી કોપર પાઈપો ચોરી હોવાની આરોપીએ કરી કબૂલાત.
- પોલીસ એક્શન: મિલકત સંબંધી ગુનાઓ ડામવા પોલીસ કમિશનરની સૂચના બાદ ફતેહગંજ પોલીસની સફળ કામગીરી.
વડોદરા: ઉનાળાની શરૂઆત થતા જ એસી (AC) ના વપરાશમાં વધારો થયો છે, ત્યારે તેની મોંઘીદાટ કોપર પાઈપો ચોરતી ગેંગ પણ સક્રિય થઈ છે. વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનની ટીમે નિઝામપુરા વિસ્તારમાં એસી કમ્પ્રેશરની કોપર પાઈપો ચોરનાર એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
🧐ચોરીની ઘટના અને તપાસ:
ગત તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં એસીની કોપર પાઈપો ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એ.એસ.આઈ. નિલેશભાઈ અને લોકરક્ષક મુકેશભાઈને બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ ઇસમ સાઈકલ પર પ્લાસ્ટિકની થેલીમાં કોપરની પાઈપો લઈને છાણી જકાતનાકા પાસેથી પસાર થવાનો છે.
🚨ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ:
પોલીસે બાતમીના આધારે છાણી જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબના વર્ણનવાળો શખ્સ સાઈકલ પર પસાર થતા જ પોલીસે તેને આંતર્યો હતો. તેની થેલીની તપાસ કરતા તેમાંથી આશરે ૩ કિલોગ્રામ જેટલી એસીની કોપર પાઈપો મળી આવી હતી. આરોપી પાસે આ સામાન અંગે કોઈ આધાર-પુરાવા ન હોવાથી પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરી હતી.
📝આરોપીની પ્રોફાઈલ:
પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ શિવરાજસિંહ ઉર્ફે રવિ ઉર્ફે ગોર અજીતસિંહ વાઘેલા (રહે. છાણી કેનાલ પાસે) હોવાનું જણાવ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે, વહેલી સવારે નિઝામપુરા બસ ડેપો પાસે આવેલા ‘પ્રોક્યુબ કોમ્પ્લેક્સ’ની પાછળના ભાગેથી તેણે આ પાઈપો ચોરી હતી. હાલ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી બી.એન.એસ. (BNS) ની કલમ ૩૦૩(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
👉એસીની પાઈપો ચોરાતા વાહનચાલકો અને ઓફિસ સંચાલકોમાં ચિંતા હતી, પરંતુ ફતેહગંજ પોલીસની સતર્કતાએ ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.