- વડોદરા પોલીસ કમિશનરની લાલ આંખ: અસામાજિક તત્વો પર ‘પાસા’નું શસ્ત્ર ઉગામ્યું.
- 10 થી વધુ ગુનામાં સંડોવાયેલા જગદીશ ઉર્ફે જગ્ગી વસાવાની પાસા હેઠળ અટકાયત.
- ₹2.60 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ જેલના સળિયા પાછળ ધકેલાયો.
સંસ્કારી નગરી વડોદરામાં શાંતિ અને સલામતી જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્વો પર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારના રીઢા બૂટલેગર વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
📌ઘટનાની વિગત:
બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તાજેતરના ગુના મુજબ, આરોપી જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઈ વસાવા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયર મળી કુલ 641 નંગ બોટલો ઝડપાઈ હતી. આ જથ્થામાં ઓલ્ડ મોંક રમ, રોયલ સ્ટેગ વ્હિસ્કી, જોની વોકર અને ટુબર્ગ બીયર જેવી બ્રાન્ડનો સમાવેશ થતો હતો, જેની અંદાજિત કિંમત ₹2,60,500/- હતી.
❓કેમ લેવાયા કડક પગલા?
આરોપી જગ્ગી વસાવા વારંવાર રાજ્ય બહારથી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી તેના રહેણાંક મકાન અને આસપાસના વિસ્તારમાં સંગ્રહ કરી વેચાણ કરવાની ટેવવાળો છે. આ દારૂ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં, તે પોતાના આર્થિક ફાયદા માટે લોકોના જાનના જોખમે આ વેપલો કરતો હતો. તેની આ અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થા માટે જોખમી જણાતા પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
🧐ગુનાહિત ઇતિહાસ:
પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગ્ગી વસાવા (રહે. ખોડિયારનગર, વડોદરા) કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ બાપોદ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 થી 2026 દરમિયાન 10 થી વધુ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
🚨જેલભેગો કરાયો:
બાપોદ પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેને વડોદરાથી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરા પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના બૂટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે શહેરની શાંતિ ડહોળનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.