- રોજીરોટીનું સંકટ: કંપની બંધ કરી સ્થળાંતર કરવાની હિલચાલથી 200થી વધુ પરિવારો પર બેરોજગારીની તલવાર; કામદારોમાં ભારે રોષ.
- ગંભીર આક્ષેપો: 8 કલાકને બદલે 12 કલાક કામ અને વર્ષ 2016થી પગારમાં કોઈ વધારો નહીં; માત્ર 415 રૂપિયાના રોજે કરાવાય છે વૈતરું.
- વહીવટી દાદાગીરી: મેનેજમેન્ટ દ્વારા અભદ્ર ભાષામાં વર્તન અને ટિફિન જેવો સામાન જપ્ત કરી લેવાની માનસિકતા સામે આંદોલન.
- ન્યાયની માંગ: સામાજિક કાર્યકર લખન દરબાર કામદારોની વ્હારે; લેખિત ખાતરી અને પગાર વધારાની માંગણી સાથે કંપની બહાર જ પડાવ.
વડોદરા: વડોદરાના છેવાડે ફર્ટિલાઇઝર નગરમાં આવેલી ટેકનો ઈલેક્ટ્રોમેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારથી જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કંપનીમાંથી મશીનરી ખાલી કરી અન્યત્ર સ્થળાંતર કરવાની હિલચાલ તેજ બનતા 200થી વધુ કર્મચારીઓએ કંપનીના ગેટ પાસે એકત્ર થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
🧑🔧શોષણની પરાકાષ્ઠા:
કંપનીમાં કામ કરતા શ્રમિકોએ મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કામદારોનું કહેવું છે કે, વર્ષ 2016થી તેઓ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, તેમ છતાં આજે પણ તેમને માત્ર 415 રૂપિયાના નજીવા રોજે રાખવામાં આવે છે. નિયમ મુજબ 8 કલાકને બદલે 12-12 કલાક સુધી કામ કરાવી શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, કામદારો જ્યારે ટિફિન કે અંગત સામાન લઈને આવે છે, ત્યારે સિક્યુરિટી અને મેનેજમેન્ટ દ્વારા તે જપ્ત કરી લેવામાં આવતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
📍સ્થળાંતરનો ભય:
છેલ્લા કેટલાક દિવસોથી કંપનીમાં મશીનરીનું શિફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ બાબતે જ્યારે કામદારોએ ઉપલા અધિકારીઓ પાસે જવાબ માંગ્યો, ત્યારે તેમને સંતોષકારક ઉત્તર આપવાને બદલે અભદ્ર ભાષામાં અપમાનિત કરવામાં આવ્યા હતા. કામદારોની સ્પષ્ટ માંગ છે કે, જો કંપની બંધ કરવાની હોય તો મેનેજમેન્ટ લેખિતમાં આપે અને જો ચાલુ રાખવાની હોય તો તાત્કાલિક પગાર વધારો કરવામાં આવે.
🧐ધરણા પ્રદર્શન:
કર્મચારીઓના આ આંદોલનમાં સામાજિક કાર્યકર લખન દરબાર પણ જોડાયા હતા. તેમણે કંપનીના ગેટ પાસે કામદારો સાથે બેસીને ધરણા શરૂ કર્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી મેનેજમેન્ટ દ્વારા કામદારોને ન્યાય નહીં મળે અને તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ આંદોલન અને ધરણા યથાવત રહેશે.
🫵એક તરફ મોંઘવારી આસમાને છે અને બીજી તરફ શ્રમિકોનું આ પ્રકારે શોષણ સ્માર્ટ સિટી વડોદરાના ઔદ્યોગિક એકમોની વરવી વાસ્તવિકતા છતી કરે છે.