રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ અચાનક કાયદાનો ભાન થયું હોય તે પાલિકા તંત્ર જ્યાં જ્યાં ફાયર સેફટી ના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી કરી રહ્યું છે જેના કારણે વડોદરા શહેર ની આસપાસમાં સોમીલ ચલાવતા વેપારીઓની ચિંતા વધી છે સોમીલ માટે ફાયર સેફટી ના સાધનો પૂરતા ન હોવાનું કહીને પાલિકા દ્વારા 10 થી વધુ યુનિટને સીલ કરી દીધા છે જે કાર્યવાહી સામે આજે વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડ અને પાલિકા તંત્ર ની કામગીરી બારેમાસ વડોદરા શહેર માં ફાયરની ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવાનું છે પરંતુ જ્યારે જ્યારે કોઈ મોટી ઘટના બને છે ત્યારે ત્યારે પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડને ફાયર સેફટી ના નિયમો નું પાલન ન થતું હોય ત્યાં કાર્યવાહી કરવા માં આવી રહી છે થોડા વર્ષો પહેલા તક્ષશિલા કાંડ બાદ રાજ્યભરના ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં ફાયર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ કુંભકર્ણની નિંદ્રામાં સુઈ ગયેલા તંત્રને ફરી એકવાર રાજકોટની દુર્ઘટના બાદ ફાયર સેફટી ના નિયમોનું પાલન કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. જ્યારે વડોદરા સોમીલ એસોસિએશન દ્વારા પાલિકા પાસે નિયમોના પાલન કરાવવા માટે પૂરતો સમય માંગવામાં આવ્યો છે.
વડોદરા સોમીલ એસોસિએશનના આગેવાને જણાવ્યું હતું કે સોમીલમાં પૂરતી ફાયર સેફટીની સુવિધાઓ હોય છે અને ત્યાં આગ જેવી ઘટના ઘટે તો કોઈ જાનહાનિ થાય તેવી શક્યતાઓ ખૂબ નહિવત હોય છે. સો મીલમાં લાકડાનું કામ થતું હોય તેથી આગ લાગવું એ સ્વાભાવિક ઘટના છે, પરંતુ તેની માટે શું નીતિ નિયમો ની જરૂરિયાત છે. તેની અત્યાર સુધી કોઈ માહિતી પાલિકા તંત્ર કે ફાયર બ્રિગેડ દ્વારા સોમીલ માલિકોને આપવામાં આવી નથી જ્યારે રાજકોટની ઘટના બાદ કાયદાનું પાલન કરાવવા નીકળેલા પાલિકા તંત્ર એ પ્રથમ તપાસમાં જ સોમીલના 10 થી વધુ યુનિટો સીલ કરી દીધા છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે,પાલિકા જે કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવાનું કહેશે તે અમે વેપારીઓ કરવા માટે તૈયાર છે. પરંતુ અત્યાર સુધી પાલિકા કે ફાયર બ્રિગેડ દ્વારા કોઈ સોમીલ માટેના ફાયરસેફટીના નીતિ નિયમોની જાણકારી આપવામાં આવી નથી. પાલિકા તંત્ર દ્વારા સોમીલમાં કયા પ્રકારની ફાયર સેફટી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવશે તો દસ દિવસના સમયમાં તેની તમામ વ્યવસ્થાઓ સોમીલ યુનિટના માલિકો દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી વડોદરા સોમીલ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.