વડોદરા શહેરમાં પુરની સ્થિતિનું નિર્માણ ફરી વાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વરસાદ પહેલા અંતિમ તબક્કામાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં નદીને પહોળી અને સ્વચ્છ કરવાની કવાયત ચાલી રહી છે. જેમાં આજે પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએ કલ્યાણ નગર પાસેના ભાગમાં ચાલી રહેલી કામગીરીની વિઝીટ કરી હતી .
વર્ષ 2024નું વિનાશક પૂર વડોદરાવાસીઓને યાદ રહી ગયું છે. બે દાયકામાં સૌથી વધુ પાણી ગત વર્ષે વડોદરા શહેરમાં ભરાયા હતા ત્યારે શહેરની મધ્ય માંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પરના દબાણો અને તેની સાફ સફાઈ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા વિશ્વામિત્રીના રીવાઈવલ પ્રોજેક્ટનો રીપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કર્યા બાદ તેની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે.
હાલ વરસાદની સીઝન નજીક આવી છે. ત્યારે કેટલાક પોઈન્ટ પર રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએ કલ્યાણ નાગર સયાજીગંજ તરફના વિશ્વામિત્રી નદીની કામગીરીની વિઝીટ કરી હતી. જ્યાં તેઓએ અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે ,આ સાથે વરસાદી કાંસની સફાઈ તેમજ તળાવો ને ઊંડા કરવાની કામગીરી પણ સાથે જ આયોજનમાં લેવામાં આવ્યા છે. વડોદરા શહેર જીલ્લાના 47 જેટલા તળાવો હાલ ઊંડા કરવામાં આવી રહ્યા છે.