પૂર્વ ક્રિકેટર અને હાલ TMCના સાંસદ યુસુફ પઠાણ કથિત રીતે સરકારી પ્લોટ પર દબાણ કરવાનો આરોપ લાગ્યો હતો. જેના બાદમાં યુસુફ પઠાણ સામે સરકારી તંત્રએ એક્શન લઇ પ્લોટ ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી. જેથી હવે અંતે યુસુફ પઠાણ મદદ માટે હાઇકોર્ટની શરણે ગયા છે. આવતીકાલે આ કેસની સુનાવણી થશે.
અગાઉ યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણે લેવાની માંગણી કરી હતી. જેની કોર્પોરેશનએ સામાન્ય સભામાં યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે તેને નામંજૂર કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કર્યા બાદ પણ યુસુફ પઠાણે પ્લોટ પર દીવાલ બાંધી દીધી. જેથી તાંદલજામાં યુસુફ પઠાણના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી આ પ્લોટને ખાલી કરવામાં માટે કોર્પોરેશન દ્વારા યુસુફ પઠાણને નોટિસ ફટકારવવામાં આવી હતી.
હવે આ મામલે યુસુફ પઠાણે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. યુસુફ પઠાણના વકીલનો આક્ષેપ છે કે, “જમીન કોર્પોરેશની જનરલ બોડીએ આપી તો પછી રાજ્ય તેને કેવી રીતે ખાલી કરાવી શકે? આ જમીન વર્ષોથી યુસુફ પઠાણ પાસે છે. અને હવે જયારે તેઓ અન્ય પક્ષમાં સાંસદ બન્યા છે એટલા માટે આ જમીન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.”
જોકે, કોર્ટે વકીલની આ દલીલો પર ટકોર કરતા રાજકારણ વચ્ચે ન લાવવાની સલાહ આપી. આ કેસમાં આગામી સુનવણી આવતીકાલે થવાની છે. જેમાં કોર્પોરેશનના વકીલ પણ ઉપસ્થિત રહેશે.