શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત પોલીસ વિભાગે આજે રાહતનો દમ લીધો હતો ત્યારે અછોડાતોડ ટોળકી વડોદરા શહેરમાં ફરી સક્રિય થઈ હતી અને ત્રણથી ચાર જગ્યા પર અછોડા તોડી ફરાર થઈ ગયાના કિસ્સા વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
શહેરના નિઝામપુરામાં રહેતા શ્વેતલ સવારે કમાટીબાગમાં ચાલવા જતા હતા ત્યારે ફતેગંજ પાસે મોટર સાયકલ પર આવેલા બે વ્યક્તિએ શીતલના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા. તે પછી થોડી વારમાં તેનાથી થોડે દૂર એમ.એસ. યુનિવર્સિટીની બીબીએ ગ્રાઉન્ડમાં ચાલવા જનાર સંદીપના ગળામાંથી સોનાની ચેન ખેંચી લઈને બંને ફરાર થઈ ગયા હતા.
ઉપરાંત શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અને બાલભવન પાસે પણ અછોડાતોડ ટોળકી ઝળકી હોવાનું જાણવા મળે છે. બનાવવાની જાણ પોલીસને કરવામાં આવતા એક જ ટોળકીએ તમામ જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે.