Vadodara

દિલ્હી પોલીસ બનીને વડોદરાના સ્પામાં દરોડો પાડવા ગયેલા ત્રણ નકલી પોલીસ ઝડપાયા

Published

on

દિલ્હી પોલીસમાં નોકરી કરતા હોવાંની ઓળખ આપીને વડોદરાના એક સ્પામાં દરોડા પાડવા પહોંચેલા ત્રણ નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડયા હતા.જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેતલપુર રોડ પર ગુજરાત કિડની હોસ્પિટલની બાજુના કોમ્પ્લેક્ષમાં તુર્કીશ સ્પા નામનું સ્પા સેન્ટર આવેલુ છે. જ્યાં મેનેજર તરીકે મેહુલ યોગેશભાઈ પરમાર નોકરી કરે છે. ગત 19 તારીખે સાંજના સમયે ત્રણ ઈસમો સ્પામા આવ્યા હતા. અને મેનેજર મેહુલની પૂછપરછ શરૂ કરી હતી.ત્રણેય વ્યક્તિઓએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી. અને સ્પાના રજીસ્ટર, મહિલા કર્મચારીઓના ઓળખ કાર્ડ,રહેઠાણ વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મેનેજર મેહુલ પરમારને સ્પાના માલિક વિશે પૂછપરછ કરતા મેનેજરના ફોનથી સ્પા માલિક પૃથ્વીરાજ રાણા સાથે સાથે વાત કરી હતી. ફોન પર પણ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપતા સ્પા માલિકને શંકા જતા તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી.

થોડી વારમાં અકોટા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં તેઓએ દિલ્હી પોલીસના અધિકારી બનીને આવેલા ત્રણેયની પૂછપરછ કરી હતી. તેઓ પાસે પોલીસ હોવાના કોઈ પુરાવા કે ઓળખકાર્ડ મળી આવ્યું ન હતું. જેથી પોલીસે ત્રણેય ની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.સ્પા માલિક સાથે ફોન પર વાત કસરનાર વ્યક્તિનું નામ અનિલ મનુભાઈ રાવળ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેના બે સાગરીતો શાકિર કાદરભાઈ મણિયાર તેમજ જતીન હર્ષદભાઈ માસ્તરની ઓળખ થઈ હતી. ત્રણેય આરોપીઓ મૂળ વડોદરાના રહેવાસી હતા અને પોલીસનો સ્વાંગ રચીને સ્પા સંચાલક ને ધમકાવી રૂપિયા કઢાવવાની ફિરાકમાં હતા. અકોટા પોલીસે સ્પા સેન્ટરના મેનેજરની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી શાકિર મણિયાર ઉત્તરાયણ ના સમયે જેપી રોડ પોલીસ મથકના પોલીસ જવાન નવદીપસિંહ સરવૈયા સાથે PCR વાનમાં શરાબની મહેફિલ માણતા પકડાયો હતો. જ્યાં થી તેને જામીન મળતા તેનો છુટકારો થયો હતો. પોલીસ જવાન સાથે ફરતો હોવાથી પોલીસની કામ કરવાની રીતથી વાકેફ હોય તેને નકલી પોલીસ બનીને સ્પામાં દરોડો પાડવાની વ્યૂહરચના ઘડી હતી.

Advertisement

Trending

Exit mobile version