ચૂંટણી પછી છેતરાયાનો અહેસાસ:“ખોબલે-ખોબલે મત આપ્યા પણ કામના નામે શૂન્ય”; ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જનતાનો ભારે રોષ.
ચોમાસા પહેલા ફફડાટ:વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યા છતાં તંત્ર ઘોર નિદ્રામાં; રહીશોએ આપી આંદોલનની ચીમકી.
વડોદરા: સ્માર્ટ સિટી વડોદરાના સમા વિસ્તારમાં આવેલી રીધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓના રહીશો હાલ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. એક તરફ વિશ્વામિત્રી નદીની સફાઈના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અહીં નદીના તટ પર ગંદકીનું એવું સામ્રાજ્ય છવાયું છે કે રહીશોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે.
🧐અસામાજિક તત્વોનો ત્રાસ અને ભય:
સ્થાનિકોની સૌથી મોટી ચિંતા નદી કિનારે સુરક્ષા દીવાલ (Protection Wall) ન હોવી તે છે. દીવાલના અભાવે અસામાજિક તત્વો નદીના પટમાં ખુલ્લેઆમ અડ્ડા જમાવીને બેસે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે. વરસાદી સિઝન નજીક આવતા જ પાણી ભરાવાની દહેશતથી લોકોની ઉંઘ ઉડી ગઈ છે.
🤨જનતાનો જનાક્રોશ:
લોકોમાં સૌથી વધુ રોષ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જોવા મળી રહ્યો છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે ચૂંટણી સમયે સત્તાધારી પક્ષના નેતાઓ મતોની ઝોળી ભરીને લઈ ગયા, પરંતુ આજે જ્યારે પાયાની જરૂરિયાતો અને સુરક્ષાનો પ્રશ્ન છે ત્યારે કોઈ ફરકતું પણ નથી. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા હવે રહીશોની ધીરજની કસોટી કરી રહી છે.
🫵“વોટ આપ્યા પણ સુવિધા ક્યાં?” આ સવાલ આજે સમા વિસ્તારનો દરેક નાગરિક પૂછી રહ્યો છે. જો સમય રહેતા વિશ્વામિત્રીના તટ પર સફાઈ અને સુરક્ષા દીવાલનું કામ શરૂ નહીં કરાય, તો આવનારા દિવસોમાં જનતાનો આ રોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.