- બેન્ક એજન્ટે કરિયાણાની દુકાન ધરાવતા વેપારી સાથે રીનોવેશન અને કેશ ક્રેડિતના નામે 30 લાખની ઠગાઈ કરી
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજરની શંકાસ્પદ ભૂમિકા,નાણાં લોનધારકને બદલે એજન્ટના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા
- 2019થી ફરિયાદ દાખલ કરવા પોલીસ મથકના ધક્કા ખાધા,છતાંય ન્યાય કે સહકાર ન મળ્યો
પોલીસ વિભાગ પાસે ન્યાયની અપેક્ષા રાખવી એટલે જાણે લોઢાના ચણા ચાવવા બરાબર થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા એક નાગરિકના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને તેઓના નામે 30 લાખની લોન બેન્ક એજન્ટ દ્વારા લઇ લેવામાં આવી હોવાની જાણ થતા નાગરિકે પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે છેલ્લા છ વર્ષથી પોલીસ દ્વારા ધર્મના ધક્કા ખવડાવ્યા બાદ અંતે કોર્ટના દ્વાર ખાખડાવતા આજે કોર્ટના હુકમથી સીટી પોલીસે લોન એજન્ટ અને બેન્ક મેનેજર વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વારસિયા વિસ્તારમાં સુખમણી સોસાયટીમાં રહેતા હરેશભાઇ રૂપાણી ઘર નીચે કરીયાનાની દુકાન ધરાવે છે. તેઓના નિયમિત ગ્રાહક તરીકે નરેન્દ્ર દિનકરરાવ સાવંત સાથે પરિચય હતો. ગત 2017માં નરેન્દ્ર સાવંત સાથે ફરિયાદી હરેશભાઇએ ઘરના રીનોવેશન અંગેની વાત કરી હતી. નરેન્દ્ર સાવંતે SBI બેંકમાં પોતાની ઓળખાણ હોવાનું કહીને હરેશભાઇ અને તેમના પુત્રને વાઘોડિયાના રાસુલાબદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં લઈ ગયા હતા. જ્યાં તેમની ઓળખાણ બેન્ક મેનેજર કૃણાલ પરીખ સાથે કરાવી હતી.
એજન્ટ નરેન્દ્ર સાવંત અને બેન્ક મેનેજર કૃણાલ પરીખના કહેવાથી ફરિયાદી પિતા-પુત્રનું જોઈન્ટ એકાઉન્ટ રસુલાબાદ બ્રાન્ચમાં ખોલાવ્યું હતું. જોકે થોડા સમય પછી તેમની રિનિવેશનની લોન થાય તેમ નથી તેવું જણાવ્યું હતું.
એજન્ટ દ્વારા ફરી વાર ફરિયાદીને બિઝનેસ માટે મુન્દ્રા લોન અપાવવાનું કહીને બેન્ક મેનેજર કૃણાલ પરીખનો સંપર્ક કરાવ્યો હતો. જ્યારે તેઓ સયાજીગંજ બ્રાન્ચમાં મેનેજર હતા. જ્યાં તેઓના વ્યવસાય માટે 10 લાખની મુન્દ્રા લોન મુકવામાં આવી હતી. આ મુન્દ્રા લોન મંજુર થયાનો મેસેજ આવ્યા બાદ જ્યારે કેશ ક્રેડિટ એકાઉન્ટના ચેકબુક માટે સંપર્ક કર્યો ત્યારે મેનેજરે ગલ્લા તલ્લા કરીને બે મહિને કુરિયરમાં મોકલી હતી.
બેંકમાં જઈને ફરિયાદી હરેશભાઇએ તપાસ કરતા તેમના કેશ ક્રેડિટ એકાઉન્ટમાં જમા થયેલી રકમને અગાઉ કોરા કાગળો પર સહી કરાવીને લીધેલા દસ્તાવેજોના આધારે નરેન્દ્ર સાવંતે ફરિયાદીને કરિયાણા સ્ટોરના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવીને નરેન્દ્ર સાવંતના સાડા અનિલ શિરખેના નામે 6 લાખ અને 70 હજાર ઠક્કર નામના વ્યક્તિએ ઉપાડી લીધા હતા.
જે બાદ વર્ષ 2019માં ફરિયાદી હરેશભાઇના ઘરે રિનિવેશનની લોનના હપ્તા બાકી હોવાની નોટિસ આવતા તેઓ ચોકી ગયા હતા. જ્યાં બેંકમાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અગાઉ 2017માં નરેન્દ્ર સાંવત સાથે જઈને રિનિવેશન માટે જે લોન એપ્લાય કરી હતી. એ મંજુર થઈ ગઈ હતી. અને બેન્ક મેનેજર દ્વારા લોન ધારક ફરિયાદીને ખાતામાં રૂપિયા આપવાને બદલે એજન્ટ તરીકે કામ કરતા નરેન્દ્ર સાવંતને કોન્ટ્રાક્ટર તરીકે દર્શાવી લોનની રકમ સીધે સીધી નરેન્દ્ર સાવંતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. નરેન્દ્ર સાવંત એ 20 લાખની લોનના હપ્તા ભરતો હતો પણ જ્યારે 2019માં ત્રણ હપ્તા બાઉન્સ થયા ત્યારે સમગ્ર લોન કૌભાંડનો ભંડો ફૂટી ગયો હતો.
આ મામલે ફરિયાદીએ 2019થી અત્યાર સુધી વારંવાર પોલીસનો સંપર્ક કરીને લોનના નામે છેતરપીંડી કરતી ટોળકી સામે કાર્યવાહી કરવા પોલીસને અનેક વાર અરજી આપી હટીમ જોકે પોલીસે 30 લાખ ગુમાવનાર ફરિયાદીને ન્યાય અપાવવાને બદલે ધર્મના ધક્કા ખવડાવતા ઠગ ટોળકી વિરુદ્ધ ફરિયાદી હરેશભાઇ રૂપાણીએ વર્ષ 2023માં કોર્ટમાં અપીલ કરતા કોર્ટે ડિસેમ્બર 2025માં ગુન્હો દાખલ કરવાનો હુકમ નામદાર કોર્ટે કર્યો હતો. જ્યાં કોર્ટ હુકમના દોઢ મહિના બાદ સીટી પોલીસે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.