- વડોદરા શહેરના ખૂણે ખૂણે માં ભારતીના નારા ગુંજી રહ્યા છે. વડોદરાના નગરજનો સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા છે – હર્ષ સંઘવી
- આજે વડોદરામાં તિરંગા યાત્રા યોજાઇ
- ગૃહમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થઇ
- સ્વચ્છતાના સંદેશ સાથે તમામને અપીલ કરવામાં આવી
રાજ્યની સંસ્કારી નગરી વડોદરા માં આજે તિરંગા યાત્રા નીકળી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી ની પ્રેરક ઉપસ્થિતીમાં આ યાત્રાની શરૂઆત અને સમાપન કરવામાં આવ્યું છે. આ તકે મોટી સંખ્યમાં શહેરીજનો યાત્રામાં જોડાયા છે. યાત્રીની શરૂઆતમાં હળવો વરસાદ પડ્યો હતો. જો કે, વરસાદ દેશભક્તોના ઉત્સાહને સહેજ પણ ઓછો કરી શક્યો ન્હતો. યાત્રા નવલખી મેદાનથી નીકળીને ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઇ છે.
સંસ્કારી નગરી વડોદરામાં આજે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગૃહમંત્રીની હાજરીમાં શરૂ થઇને સંપન્ન થઇ છે. તિરંગા યાત્રામાં નાના બાળકોથી લઇને મોટેરાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષણો જોવા મળ્યા હતા. યાત્રામાં દેશના વીર સપુતોની વેશભૂષામાં આવેલા લોકોએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. નવલખી મેદાન ખાતે નિયત સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની હાજરીમાં તિરંગા યાત્રા શરૂ થઇ હતી. આ યાત્રામાં શહેરના પાલિકા અને પોલીસ વિભાગના કમિશનર, તમામ ધારાસભ્યો, તમામ કોર્પોરેટરો અને સેવાભાવી સંસ્થાઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રાની શરૂઆતમાં વરસાદના છાંટા પડ્યા હતા. જો કે, વરસાદ યાત્રામાં સામેલ થયેલા એક પણ વ્યક્તિનો ઉત્સાહ ઓછો કરી શક્યો ન્હતો.
આ યાત્રા અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરા શહેરના ખૂણે ખૂણે માં ભારતીના નારા ગુંજી રહ્યા છે. વડોદરાના નગરજનો સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા છે. એક બાજુ વરસાદ, અને બીજી બાજુ દેશ ભક્તોનું ટોળું, બંને સાથે મળીને માં ભારતીના રંગે રંગાયા છે. વડોદરાના હજારો લોકો તિરંગા યાત્રા (Tiranga Yatra – 2025) માં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ વખતે સ્વચ્છતાને જોડવામાં આવ્યું છે. દેશભક્તિની જોડે જોડે સ્વચ્છા પર ભાર મુકવામાં આવ્યો છે.