વિતેલા 1 વર્ષમાં મને પગાર ચૂકવવામાં આવ્યો નથી. મારે રૂ. 2.70 લાખ લેવાના બાકી નીકળે છે, તેમાંથી એક પણ રૂપિયો આપ્યો નથી – નર્સ
વડોદરામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉઠામણું
નર્સ, સિક્યોટીરી સહિનતો સ્ટાફ રઝડ્યો
હોસ્પિટલ સંચાલક સંપર્ક વિહોણા બન્યા
સ્ટાફ દ્વારા પગારની વસુલાત માટે કેસ કરવા સુધીની તૈયારી
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી કષ્ટભંજન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોએ ઉઠામણું કર્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા મીડિયાને જણાવાયું કે, તેમને આશરે બે મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. પગાર ચૂકવણીને લઇને હોસ્પિટલ સંચાલકો દ્વારા સમયની માંગણી કરવામાં આવી હતી. જે આપવા છતાંય પગાર થયો નથી. જેથી આજે હોસ્પિટલ પાસેથી બાકી પગાર નીકળતા હોય તેવા કર્મચારીઓએ એકત્ર થઇને મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
Advertisement
હોસ્પિટલના સંચાલકોથી પીડિત નર્સ પારૂલ બેન રાઠવાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું છેલ્લા દોઢ વર્ષથી કષ્ટભંજન હોસ્પિટલમાં કામ કરું છું. વિતેલા 1 વર્ષમાં મને પગાર ચૂકવવામાં આવ્યો નથી. મારે રૂ. 2.70 લાખ લેવાના બાકી નીકળે છે, તેમાંથી એક પણ રૂપિયો આપ્યો નથી. તેમણે અમને લખીને આપ્યું હતું. જેમાં તેમણે 30, જુલાઇ સુધીમાં થોડાક થોડાક કરીને રૂપિયા ચૂકવવાનું જણાવ્યું હતું. પરંતુ આજદિન સુધી એકપણ રૂપિયો આપ્યો નથી. તેઓ અમને કહે છે કે, અમારો વિશ્વાસ રાખો. પરંતુ તેમણે લેખિતમાં જે બાંહેધારી આપી હતી, તેની પણ મર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. હવે તેમનો વિશ્વાસ રાખી શકાય તેમ નથી.
મહિલા નર્સે વધુમાં જણાવ્યું કે, અમે શરૂઆતથી પગારની માંગણી કરીએ છીએ. 10 દિવસ અને મહિને આપીશું તેમ કહીને વર્ષ સુધીનો સમય વેડફાઇ ગયો છે. હોસ્પિટલ અઢી મહિનાથી બંધ છે. ડોક્ટરને કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા એટલે તે નાસી ગયા છે. અમે અમારી મહેનતના પૈસા જવા નહીં દઇએ. અમે તેમના પર કેસ કરીશું, અમે અમારી મહેનતના પૈસા પાછા લઇને જ રહીશું.
Advertisement
હોસ્પિટલમાં નાઇટમાં સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજેશભાઇ ભટ્ટએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારો સાત મહિનાનો પગાર બાકી લેવાનો નીકળે છે. અમે પગાર માંગીએ તો થોડા થોડા કહીને આપીશું તેમ કહેતા હતા. તેમનો ભાડા કરાર પતી ગયો એટલે તેમણે અમને લખીને આપી દીધું કે, આ તારીખે તમને પૈસા આપીશું. અહિંયાના સંચાલક આશિષ લક્કડ હતા. તેમનો ફોન લાગતો નથી, તે ક્યાં રહે છે, અમને ખબર નથી. કોઇ રસ્તો નહીં નીકળે તો અમારે પોલીસ ફરિયાદ નોંધાવવાની છે.