Vadodara

વડોદરાની વોર્ડ કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ, ફરિયાદીઓને રૂબરૂ ફોન કરી પૂછ્યું- ‘કામ થયું કે નહીં?'”

Published

on

વડોદરા શહેરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કમર કસી છે. આજે તેમણે શહેરના વોર્ડ નંબર 13 અને 14ની કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કમિશનરે માત્ર કાગળ પર જ નહીં, પરંતુ ફરિયાદીઓને રૂબરૂ ફોન કરીને કામગીરીની સત્યતા ચકાસી હતી.

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે વોર્ડ ઓફિસોની મુલાકાત દરમિયાન વહીવટી તંત્રને દોડતું કર્યું હતું. તેમણે ડ્રેનેજ અને સફાઈની ફરિયાદ કરનારા નાગરિકોને સ્થળ પરથી જ વળતો ફોન કર્યો હતો. નાગરિકોએ કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા કમિશનરે તંત્રની કામગીરી બિરદાવી હતી.

​કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, શહેરની સફાઈ એ માત્ર કોર્પોરેશનની નહીં પણ નાગરિકોની પણ જવાબદારી છે. તેમણે જણાવ્યું કે 99% લોકો સહકાર આપે છે, પરંતુ ગંદકી ફેલાવતા 1% લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

🧐 કમિશનરનું મહત્વનું નિવેદન અને આયોજન:

  • સ્વચ્છતા અભિયાન: આજથી જ ખંડેરાવ માર્કેટની આસપાસથી નવેસરથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે.
  • દબાણ હટાવો: રસ્તાઓ વાહન ચલાવવા માટે છે, લારી-ગલ્લાના દબાણ માટે નહીં. બિલ્ડિંગની બહાર થતી ગંદકી માટે માલિકને જવાબદાર ઠેરવવામાં આવશે.
  • વેન્ડર પોલિસી: શહેરમાં વહેલી તકે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરાશે, જેથી લારી-ગલ્લાઓને અલગ જગ્યા ફાળવી શકાય અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય.

🫵મ્યુનિસિપલ કમિશનરની આ આક્રમક કામગીરી અને વેન્ડર પોલિસીના અમલના સંકેતોથી આગામી દિવસોમાં વડોદરાના રસ્તાઓ વધુ ચોખ્ખા અને ટ્રાફિક મુક્ત બને તેવી આશા જાગી છે

Trending

Exit mobile version