- ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: 19 દેશોના વિદેશી ચલણની લૂંટ કેસમાં ધરપકડ ટાળવા ફરાર આરોપી વાઘોડીયા રોડથી ઝડપાયો.
- મિત્રો સાથે મળી ઘડ્યું હતું લૂંટનું કાવતરું: ફરિયાદીના ઘર અને ઓફિસની રેકી કરી આણંદની ગેંગને લૂંટ માટે બોલાવી હતી.
- આંખમાં મરચાની ભૂકી નાખી ₹1.19 લાખ રોકડા અને વિદેશી ચલણની બેગ ઝૂંટવી લેવાની ઘટનામાં પોલીસની મોટી કાર્યવાહી.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. ગત જાન્યુઆરી માસમાં વારસિયા રિંગ રોડ પર થયેલી વિદેશી ચલણની મોટી લૂંટના ગુનામાં સંડોવાયેલા અને ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપી સુરજ સલાટને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
❓શું હતી લૂંટની ઘટના?
ગત 16 જાન્યુઆરી 2026ના રોજ રાત્રિના સમયે ફરિયાદી વેપારી પોતાની કારેલીબાગ સ્થિત દુકાન વધારીને વારસિયા રિંગ રોડ પરના પોતાના ઘરે પરત ફર્યા હતા. જેવો તેમણે પોતાની કારમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો, ત્યારે બાઈક અને એક્ટિવા પર કાળા કપડાં બાંધીને આવેલા શખ્સોએ તેમને આંતર્યા હતા. લૂંટારુઓએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી, છાતીમાં મુક્કા મારી કારની પાછળની સીટ પર રાખેલી હેન્ડબેગની લૂંટ કરી હતી. આ બેગમાં ₹1,19,000 રોકડા અને 19 દેશોની કિંમતી કરન્સી (7808 નોટો) હતી.
🚨રેકી અને કાવતરાનો પર્દાફાશ:
ઝડપાયેલ આરોપી સુરજ મનોજભાઈ સલાટ (રહે. જીવનનગર વુડાના મકાન, વાઘોડીયા રોડ) ની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરજ આ ગુનામાં પકડાયેલા અગાઉના આરોપી રાહુલ મારવાડીનો સંબંધી છે. રાહુલ અને વિનોદ મારવાડી સાથે મળીને સુરજે આ આખી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. સુરજે જ ફરિયાદીના ઘર અને ઓફિસની રેકી કરી હતી અને પોતાના આણંદના પાંચ મિત્રો (અતુલ, આકાશ, રવિ અને હીરેન) ને લૂંટ કરવા માટે વડોદરા બોલાવ્યા હતા.
👮પોલીસ કાર્યવાહી:
લૂંટના ગુના બાદ સુરજ સલાટ સતત પોલીસથી બચવા સંતાતો ફરતો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે તે વાઘોડીયા રોડ પરના વુડાના મકાનમાં છે, જ્યાં પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો. આરોપીએ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાની અને રેકી કરવામાં મદદ કરી હોવાની કબૂલાત કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી વારસિયા પોલીસને સોંપવાની અને બી.એન.એસ. (BNS) ની કડક કલમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.