વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં થર્ટી ફસ્ટને લઇ મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂને રાજ્ય અને શહેરમાં ઘૂસણખોરી ચાલી રહી છે ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. વડોદરાના ગ્રામ્ય કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરજણ ટોલ પ્લાઝા પાસે સ્ટેટ વિજિલન્સ દ્વારા વોચ ગોઠવી ટ્રકમાં આવી રહેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમની ધરપકડ કરી છે જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કરજણ પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 16,594 બોટલ સાથે કુલ રૂપિયા 39,00,340 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા સતત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેડો કરવામાં આવી રહી છે. ત્યારે આ દારૂ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ વેચાઈ રહ્યો છે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
અવાર નવાર વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂના વેપલનો પર્દાફાશ સ્થાનિક એજન્સીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ આ મહિનામાં ચોથીવાર સ્ટેટ વિજિલન્સ દ્વારા કાર્યાવહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કરજણ ટોલ પ્લાઝા પાસે આ સ્ટેટ વિજિલન્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
SMC દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 16,594 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 39,00,340 સાથે મોબાઇલ ફોન અને રોકડ સાથે વાહન મળી કુલ કિંમત રૂપિયા 54,17,170નો મુદ્દમાલ સાથે ટ્રક ડ્રાઈવર ધર્મેન્દ્ર ઓમપાલ રામસ્વરૂપ હરિજન (રહે.બથેરા, તા. જિલ્લો ઝજ્જર હરિયાણા સાથે ટ્રક ક્લીનર નટરાજ ગુલજારીસિંહ ફુલસિંગ હરિજન (રહે.નાગલા, તા. જિલ્લો ઝજ્જર હરિયાણા)ને ઝડપી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરજણ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી જોગી ( રહે. હરિયાણા) ને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક સમય અગાઉ જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેર અને જિલ્લામાંથી અવાર-નવાર આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે, સ્ટેટ વિજિલન્સ અહીં આવી કામગીરી કરી દારૂનો જથ્થો પકડે છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. તાજેતરમાં જ SMC દ્વારા મંજુસર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.