વડોદરા: વિશ્વના રાજકારણમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે વડોદરાના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચી છે. યુદ્ધની સ્થિતિને કારણે એલ.પી.જી. (LPG) ગેસ સિલિન્ડરના પુરવઠામાં અનિયમિતતા સર્જાતા શહેરમાં ગેસ બોટલ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિથી બચવા માટે હવે વડોદરાવાસીઓ સુરક્ષિત અને સતત મળતા પી.એન.જી. (PNG – પાઈપલાઈન ગેસ) કનેક્શન તરફ વળ્યા છે.
📌કનેક્શન માટે પડાપડી:
વડોદરા ગેસ કચેરી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી કનેક્શન મેળવવા માંગતા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ અંદાજે 6000 થી વધુ નવી ઈન્કવાયરીઓ નોંધાઈ છે. લોકો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે તેમના ઘરે પાઈપલાઈન ગેસ કનેક્શન મળી જાય જેથી ગેસ બોટલની અછતનો સામનો ન કરવો પડે.
🧐તંત્રની તૈયારી અને ભાવવધારો:
વધતી જતી માંગને પહોંચી વળવા માટે ગેસ કચેરી દ્વારા સર્વે અને કનેક્શન આપવા માટેની ટીમોમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ પ્રક્રિયામાં વહીવટી ખર્ચમાં વધારો થયો હોય તેમ જણાય છે. કનેક્શન ફોર્મ જે અગાઉ 20 રૂપિયામાં મળતું હતું, તેના હવે 50 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં થોડો રોષ પણ જોવા મળ્યો છે.
🛑ડિપોઝિટ અને પુરવઠાની સ્થિતિ:
સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ ફેરફાર કે રાહત અંગે પૂછવામાં આવતા તંત્રએ જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ નવી સૂચના મળી નથી. જોકે, રાહતની વાત એ છે કે વડોદરામાં પી.એન.જી.નો પુરતો પુરવઠો ઉપલબ્ધ છે અને જે લોકો નવા કનેક્શન લઈ રહ્યા છે તેમને ગેસ મળવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં.
🫵આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ ગમે ત્યાં ખેલાતું હોય, પણ તેની કિંમત હંમેશા સામાન્ય માણસે જ ચૂકવવી પડે છે. વડોદરાના નાગરિકો હવે ‘ગેસની લાઈન’ માંથી મુક્તિ મેળવી ‘પાઈપલાઈન’ ના ભરોસે રહેવાનું પસંદ કરી રહ્યા છે.