વડોદરા જીલ્લાના સાવલી મંજુર GIDCમાં આવેલી ફલોરમિલમાં ગ્રાઈન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો ઘઉંના જથ્થા નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો જ્યાં ઘઉં નીચે દબાયેલા મજુરોને બચાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવલીના મંજુર GIDCમાં પુનમ આટામિલ આવેલી છે. જ્યાં રોજીંદા હજારો ટન ઘઉંનો જથ્થો લઈને તેને લોટમાં તબદીલ કરવામાં આવે છે. આ પ્રોસેસ માટે હેવી ડ્યુટી ઘંટીઓ તેમજ ગ્રાઈન્ડર મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં ગત રાત્રીના સમયે ફોલરમિલમાં પડેલા ઘઉંના જથ્થાને એકઠો કરવા માટે ત્રણ મજુરો કામ કરતા હતા .તે સમયે વિશાળકાય ગ્રાઈન્ડર મશીન તૂટી પડતા ત્રણ મજુરો મશીન નીચે દટાયા હતા. મશીનમાં ઘઉંનો જથ્થો પણ હતો. જે જથ્થો પણ કામદારો પર પડ્યો હતો.
કામદારોને બચાવવા માટે JCB મશીનોની મદદ લેવામાં આવી હતી. જ્યાં JCBનો ઉપયોગ કરીને ઘઉંનો જથ્થો ખસેડવામાં આવ્યો હતો. જેમાં ભારે જહેમત બાદ ત્રણેય કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન એક કામદારે ઘઉં નીચે દબાઈ જવાથી દમ તોડી દીધો હતો. જયારે અન્ય બે કામદારોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સ્થિત હોવાનું જાણવા મળે છે.