- બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ટીમોએ વિદેશી દારૂ-બિયર, ટેમ્પો, તાડપત્રી મળીને કુલ રૂ. 67.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- બુટલેગરની મનસુબા ઉધા પાડતી ગ્રામ્ય એલસીબી
- ટેમ્પો ભરીને લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત
- એકની ધરપકડ કરાઇ, અન્ય વોન્ટેડ જાહેર
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમો પ્રોહીબીશનની અમલવારી અસરકારક રીતે કરી રહ્યા છે. તાજેતરમાં પેટ્રોલીંગ કરતી ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ટીમને મોટી સફળતા મળી છે. ટીમે રૂ. 57 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ જોડે એકની અટકાયત કરી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પ્રોહીબીશન સહિતની ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. દરમિયાન તાજેતરમાં બાતમી મળી કે, આઇસર ટેમ્પરો ભરીને વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી ભરૂચ થઇને વડોદરા તરફ આવી રહ્યો છે. જેના આધારે નેશનલ હાઇવે પર સાગર હોટલ નજીક ભરૂચથી વડોદરા તરફ આવવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. જે બાદ બાતમીથી મળતો આવતા ટેમ્પો જણાતા તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી.
ટેમ્પામાં તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી, જેની ગણતરી કરતા કિંમત રૂ. 57.22 લાખ હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીની ટીમોએ વિદેશી દારૂ-બિયર, ટેમ્પો, તાડપત્રી મળીને કુલ રૂ. 67.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં ટેમ્પાના ડ્રાઇવર રાજેશ વેનમશીલ જેસવાણી (રહે. રાજ સોસાયટી, નરોડા, અમદાવાદ) ની ધરપકડ કરી છે. આ મામલે ચાલક અને દારૂનો જથ્થો ભરીને આપનાર બન્નાજી વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે આરોપીઓ વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.