- વહેલી સવારે લોકોની ચહલ-પહલ ઓછી હોય તેવામાં એસએસજી હોસ્પિટલના કેન્ટીન પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું
તાજેતરમાં વડોદરા ના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમાર પર ચાકુના ઘા ઝીંકાતા તેનું મોત નિપજ્યું હતું. આરોપી બાબર પોલીસ જાપ્તામાં હોસ્પિટલ આવ્યો હતો, અને પોલીસ જવાનની હાજરીમાં જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે એસીપી કક્ષાના અધિકારીની હાજરીમાં હત્યાના ઘટના સ્થળે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ચાકુને રિકવર કરવામાં સફળતા મળી છે. હાલ બાબર સહિતના આરોપીઓ રિમાન્ડ હેઠળ છે.
વડોદરામાં પોલીસની હાજરીમાં જ તપન પરમાર પર ચાકુ વડે જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાના બીજા દિવસથી જ પોલીસ અને પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ હત્યા બાદ ભારે ચર્ચામાં આવેલા કારેલીબાગ પોલીસ મથકના અડધા સ્ટાફની બદલી કરી દેવામાં આવી છે. ગતરોજ સુધી પોલીસ અન્ય આરોપીઓને શોધી શોધીને પકડી રહી છે.
આ વચ્ચે આજરોજ વહેલી સવારે આરોપી બાબર ખાનને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. વહેલી સવારે લોકોની ચહલ-પહલ ઓછી હોય તેવામાં એસએસજી હોસ્પિટલના કેન્ટીન પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું હતું. અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી માહિતી પોલીસે મેળવી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ચાકુને રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. હાલ આરોપી તથા અન્ય સંડોવાયેલા તમામ રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગતરોત આ મામલે સંડોવાયેલા બે આરોપીઓને દુમાડ ચોકડી પાસેથી દબોચ્યા હતા.