Vadodara

વોર્ડ-10 માં રાજકીય ‘હાઈ-વોલ્ટેજ’ ડ્રામા: નીતિન દોંગા સામે ‘માસ્ક મેન’ નું ષડયંત્ર કે જનતાનો આક્રોશ?

Published

on

  • ચૂંટણી પ્રચારમાં ઘેરાવો: ભાયલી ગામે ભાજપના ઉમેદવારોનો એક મહિલા દ્વારા જબરદસ્ત વિરોધ; કામનો હિસાબ માંગતા સર્જાયો ગરમાવો.
  • ક્રાંતિકારી સેનાના મેદાનમાં: ‘માસ્ક મેન’ના વિરોધથી ગામલોકો થયા જાગૃત; ઉમેદવારને પૂછ્યા વિકાસકામોના તીખા સવાલો.
  • નીતિન દોંગાનો વળતો પ્રહાર: વિરોધને ગણાવ્યું ‘રાજકીય ષડયંત્ર’; 6 મહિના પહેલા વખાણ કરનાર આજે અચાનક વિરોધ કેમ?
  • ચેરમેન પદની રેસ? નીતિન દોંગાને રેસમાંથી બહાર કરવા વિરોધ કરાયાની ચર્ચાઓ; રાજકીય પતંગબાજીમાં કોની થશે હાર?

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના રંગમાં ભંગ પાડતી ઘટના વોર્ડ-10 માં સામે આવી છે. ભાયલી ગામે ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. એક મહિલાએ એકલા હાથે ભાજપના ઉમેદવારોને ઘેરીને વિકાસકામોનો હિસાબ માંગતા વાતાવરણ તંગ બન્યું હતું.

🚫વિરોધ અને પ્રશ્નોની વણઝાર:

ભાયલીની જાગૃત મહિલાએ આક્રમક અંદાજમાં સવાલ ઉઠાવ્યો હતો કે, “ગામના છોકરાઓને બદનામ કરીને તમે વોટ માંગવા આવ્યા છો? હિસાબ આપો કે અત્યાર સુધી શું કામ કર્યા?” આ વિરોધ પ્રદર્શનમાં ‘ક્રાંતિકારી સેના’ના સમર્થકો જોડાયા હોવાથી ગામલોકોમાં પણ આ વિરોધને લઈને જાગૃતિ જોવા મળી હતી. આ વિરોધને ‘માસ્ક મેન’ દ્વારા દોરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

🗣️નીતિન દોંગાની સ્પષ્ટતા:

બીજી તરફ, ઉમેદવાર નીતિન દોંગાએ આ વિરોધને સંપૂર્ણપણે પાયાવિહોણો અને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. દોંગાએ દાવો કર્યો કે, “જે ‘માસ્ક મેન’ આજે વિરોધ કરી રહ્યા છે, તેણે જ 6 મહિના પહેલા મારા કામના વખાણ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તો હવે અચાનક આ બદલાવ કેમ?” તેમણે પોતાની બે ટર્મ દરમિયાન વોર્ડમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવા 350 કરોડથી વધુના વિકાસકામો કર્યા હોવાનો પણ દાવો કર્યો છે.

🧐રાજકીય ગણિત:

રાજકીય ગલીઓમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે, નીતિન દોંગા જીત્યા બાદ ચેરમેન પદના મજબૂત દાવેદાર માનવામાં આવે છે. આથી, તેમને રેસમાંથી બહાર કરવા માટે આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે.

👉ચૂંટણીના ખરાખરીના જંગમાં આ રાજકીય દાવપેચ કોના માટે ફાયદાકારક સાબિત થશે તે તો આગામી સમય જ કહેશે, પરંતુ વોર્ડ-10 ના મતદારો હવે કોના કામ પર ભરોસો મૂકે છે તે જોવું રસપ્રદ રહેશે.

Trending

Exit mobile version