વડોદરાના વરણામાં પોલીસ મથક વિસ્તારમાં બુટલેગરે મંગાવેલા વિપુલ પ્રમાણના વિદેશી શરાબના જથ્થાને પોલીસે ઝડપી પાડીને કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને 27.68 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વરણામાં પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે,ત
રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસવાલ દ્વારા વિદેશી શરાબનો જથ્થો એક કન્ટેનરમાં મંગાવવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન MP પારસિંગનું કન્ટેનર રતનપુરથી શંકરપુરા રોડ પર ઝીલ એસ્ટેટ પાસે મળી આવતા પોલીસે તેને કોર્ડન કરીને તપાસ કરવા જતા ચાલક તેમજ બુટલેગર રાકેશ જયસવાલ સ્થળ છોડીને ફરાર થઇ ગયા હતા. કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કન્ટેનરમાં મુકેલા વિદેશી શરાબની ગણતરી કરતા 12 હજાર નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી.
વરણામાં પોલીસે 17,68,000 રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો તેમજ 10 લાખની કિંમતના કન્ટેનર મળીને 27.68 લાખનો મુદ્દમાલ કબજે લઈને બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ તેમજ MP13-ZH-3925 કન્ટેનરના ચાલકને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.