- તપાસના અંતે પોલીસે આણંદના વાસખીલીયાના વિશાલ મનુભાઇ પટેલની ધરપકડ કરી છે. આરોપી મૂળ ખેતીવાડીનું કામ કરે છે.
- ગોત્રી પોલીસે સ્પાઇડર મેન સ્ટાઇલથી હાથફેરો કરતા તસ્કરને દબોચ્યો
- એક ઝાટકે અડધો ડઝન કેસો ઉકેલાયા
- પોલીસે આરોપી પાસેથી રૂ. 10 લાખની મત્તા રિકવર કરી
વડોદરાના ગોત્રી માં સ્પાઇડર મેન ની સ્ટાઇલથી ઘરમાં હાથફેરો કરવા માટે ત્રાટકેલા તસ્કરને દબોચી લેવામાં આવ્યો છે. આ તસ્કર પાસેથી પોલીસે રૂ.10 લાખ ઉપરાંતનો સોના-ચાંદી તથા રોકડ સહિતનો મુદ્દમાલ કબ્જે કર્યો છે. ગોત્રી પોલીસ મથક માં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ કરતા અંતે સફળતા મળી છે. વધુ તપાસમાં ધ્યાને આવ્યું કે, આરોપી તસ્કર વિરૂદ્ધ આણંદ અને વડોદરામાં મળીને અડધો ડઝન જેટલા ગુના નોંધાયેલા છે. જેને ઉકેલવામાં ગોત્રી પોલીસને સફળતા મળી છે.
તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં એક ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસમાં સામે આવેલા સીસીટીવીમાં તસ્કર મકાનની આગળની દિવાસની બારી ઉપર ચઢીને ઉપરના માળે જાય છે. ત્યાર બાદ તે લોખંડની ગ્રીલ તોડીને પગથિયા મારફતે રૂમમાં પ્રવેશે છે. ત્યાંથી બેડરૂમમાં પ્રવેશીને તિજોરીના ડ્રોવરમાંથી આશરે 15 તોલા સોનું-ચાંદી અને રૂ. 2.28 લાખ રોકડા મળીને રૂ. 5 લાખથી વધુનો હાથફેરો કરે છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે પોલીસે આણંદના વાસખીલીયાના વિશાલ મનુભાઇ પટેલની ધરપકડ કરી છે. આરોપી મૂળ ખેતીવાડીનું કામ કરે છે. આ કાર્યવાહીમાં પોલીસે આરોપી પાસેથી સોનું, ચાંદી, રોકડ, વાહન, અને ચોરીનો સામાન મળીને કુલ રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપી તસ્કરની વધુ વિગત મેળવતા તેના વિરૂદ્ધ આણંદ ટાઉન, રૂરલ અને વડોદરાના કારેલીબાગ પોલીસ મથકમાં મળીને કુલ 6 જેટલા ગુના નોંધાયા છે. આમ પોલીસે ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ઉકેલવાની સાથે અન્ય અડધો ડઝન ગુનાઓ પણ ઉકેલી કાઢ્યા છે.