- પોલીસ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી કે, પ્રદિપકુમાર ઉર્ફે અન્ના રામનિવાસ પટેલ (મૂળ રહે. પાટોદ, કાંકેર, છત્તીસગઢ) તેના વતનમાં છે
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથીમાં કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીમાં સંડોવાયેલા અને વિતેલા 2 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ગ્રામ્યની પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપી દ્વારા 225 કિલો વજનની કોપર સ્ટ્રીપ ચોરી કરવામાં આવી હતી. જેની કિંમત રૂ. 1.80 લાખ આંકવામાં આવી રહી છે. કપરા સંજોગોનો સામનો કરીને પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા આ કાર્યવાહી પાર પાડવામાં આવી છે.
વડોદરા ગ્રામ્યની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા કુખ્યાત વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે યાદી બનાવીને ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી. આરોપીના સંભવિત વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવીને તેને દબોચવા માટેના ઓપરેશનનું પુરતુ હોમવર્ક કરીને ભૌગોલિક પરિસ્થીતીથી અવગત કરી એક્શન લેવામાં આવનાર હતું. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી કે, પ્રદિપકુમાર ઉર્ફે અન્ના રામનિવાસ પટેલ (રહે. સંજેલી, ભરૂચ) (મૂળ રહે. પાટોદ, કાંકેર, છત્તીસગઢ) તેના વતનમાં છે. જે બાદ સ્કવોર્ડની ટીમો રવાના થઇ હતી.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં પહોંચ્યા બાદ ટીમોએ ટેક્નિકલ સપોર્ટ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સાથે રાખીને આરોપીને દબોચી હસ્તગત કરી લીધો હતો. આ કાર્યવાહીમાં પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમોએ વિપરીત પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ટીમને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. અને તેને વડોદરા લાવીને કરજણ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.