Vadodara

વડોદરામાં PMનો ભવ્ય રોડ શો: ‘બંગાળી થીમ’ પર સ્વાગતની તૈયારીઓ; પણ સવાલ એ કે- શું વિકાસ માટે માત્ર VIP મુલાકાત જ જરૂરી?

Published

on

  • સંસ્કારી નગરી સજ્જ: 11 મેના રોજ PM મોદીનો વડોદરામાં 1.5 કિમી લાંબો ભવ્ય રોડ શો; એરપોર્ટથી ગોલ્ડન ચોકડી સુધી કેસરીયો માહોલ.
  • બંગાળી થીમ: પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતને વધાવવા વડોદરામાં ‘બંગાળી સંસ્કૃતિ’ના દર્શન થશે.
  • રાતોરાત બદલાયું ચિત્ર: જ્યાં કોઈ ફરકતું નહોતું ત્યાં પેચવર્ક અને રંગરોગાન શરૂ; તંત્રના તમામ વિભાગો 24 કલાક એક્શન મોડમાં.
  • જનતાનો સવાલ: ટેક્સ આપતી જનતા માટે જે કામ વર્ષોથી અટકેલા હતા, તે PMના આગમન પહેલા કલાકોમાં કેવી રીતે પૂર્ણ થયા?

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 11 મેના વડોદરા પ્રવાસને લઈને વહીવટી તંત્ર ઊંધા માથે થયું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર વિજય બાદ વડાપ્રધાન પ્રથમવાર વડોદરા આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે સમગ્ર શહેરને ‘બંગાળી થીમ’ પર શણગારવામાં આવી રહ્યું છે. દોઢ કિલોમીટર લાંબા રોડ શોના રૂટ પર વિશાળ LED સ્ક્રીન અને આકર્ષક પોસ્ટરો દ્વારા બંગાળી સંસ્કૃતિની ઝલક ઊભી કરવામાં આવી રહી છે.

🧐વિકાસનું ‘છુપાયેલું સ્તર’ ખૂલ્યું:

રસપ્રદ વાત એ છે કે, જે રસ્તાઓ પર ખાડા અને ગંદકીના કારણે લોકો પરેશાન હતા, ત્યાં હવે ‘વિકાસ’ ફૂલ સ્પીડમાં દોડી રહ્યો છે. વડોદરાના માર્ગોનું સમારકામ થઈ રહ્યું છે, કચરો ગાયબ થઈ રહ્યો છે અને રોડ ડિવાઈડરો નવા કલરથી ચમકી રહ્યા છે. જ્યાં મહિનાઓથી સફાઈ નહોતી થતી, ત્યાં આજે સફાઈ કામદારો અને અધિકારીઓનો કાફલો સતત ખડેપગે જોવા મળી રહ્યો છે.

🤨તંત્રની ગતિ અને જનતાનો આક્રોશ:

સિસ્ટમ જ્યારે ઈચ્છે ત્યારે કેટલી ઝડપથી કામ કરી શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. જોકે, આ બાબતે નાગરિકોમાં ગણગણાટ શરૂ થયો છે. લોકો પૂછી રહ્યા છે કે, શહેરના મૂળભૂત કામો જેવા કે રસ્તાનું પેચવર્ક કે સફાઈ માટે હંમેશા કોઈ VIP મુલાકાતની જ રાહ કેમ જોવામાં આવે છે?

[તંત્ર સામે સીધા સવાલ]

1. શું વડોદરાના સામાન્ય નાગરિકોનો ટેક્સ માત્ર VIP રૂટના રસ્તા ચમકાવવા માટે જ છે?

2. જે રસ્તાઓ વર્ષોથી જર્જરિત હતા, તે માત્ર 48 કલાકમાં કેવી રીતે રીપેર થઈ ગયા?

3. શું આ વિકાસ કાયમી રહેશે કે પછી PMનો કાફલો પસાર થતા જ સ્થિતિ ફરી ‘જસની તસ’ થઈ જશે?

🫵ચોક્કસપણે વડાપ્રધાનનું સ્વાગત ગૌરવની વાત છે, પરંતુ વડોદરાની જનતા ઈચ્છી રહી છે કે આવો ‘વીઆઈપી વિકાસ’ શહેરના ગલી-મહોલ્લામાં દરરોજ જોવા મળે, નહીં કે માત્ર હાઈ-પ્રોફાઈલ મુલાકાતો વખતે.

Trending

Exit mobile version