સ્માર્ટ સિટીના લોકો માટે સ્માર્ટ મીટરો માથાનો દુખાવો બની ગયા છે. એક તરફ વડોદરા શહેરમાં સ્માર્ટ પ્રીપેડ મીટરો લાગવાનું શરુ થઇ ગયું છે. ત્યાં બીજી તરફ છેલ્લા ઘણાય સમયથી ઠેર ઠેર આ સ્માર્ટ મીટરોનો ગ્રાહકો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ આજે પણ યથાવત જોવા મળ્યો.
શહેરમાં અલગ અલગ વિસ્તારોના લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોજે રોજ અલગ અલગ વિસ્તારોની MGVCL કચેરીની બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટર હટાવી જુના મીટરો પાછા લાવવાની લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આજે ચોથા દિવસે સમા વિસ્તારના લોકો MGVCL કચેરી ખાતે પહોંચી સ્માર્ટ પ્રીપેડ મીટરોનો વિરોધ કરી રહ્યા છે. મહિલાઓ સહીત અનેક લોકો સમા MGVCL કચેરી સામે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો છે.
આ સ્માર્ટ મીટરમાં બીલ વધારે આવતું હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. તેમને એવો આક્ષેપ કર્યા છે કે, “અગાઉ 1500 થી 2000 રૂપિયા સુધીનું બીલ બે મહિને આવતું હતું જે સ્માર્ટ મીટરો લાગ્યા બાદ ફક્ત 15 જ દિવસમાં 6 હજારનું રિચાર્જ કરાવવું પડ્યું છે. જેથી નવા સ્માર્ટ મીટરો હટાવી જૂના મીટર પાછા લગાવવામાં આવે તેવી માંગ છે.”