શહેરમાં લગ્નસરાની મોસમ સોળે કળાએ ખીલી છે. શહેર તેમજ શહેર નજીક આવેલા પાર્ટી પ્લોટોમાં ધૂમ લગ્ન પ્રસંગો થઇ રહ્યા છે. પરંતુ કેટલાક પાર્ટી પ્લોટો બિન સલામત પુરવાર થઇ રહ્યા છે. સેવાસી ખાતે આવેલા અરાના પાર્ટી પ્લોટમાં દીકરીને લગ્નમાં ભેટમાં મળેલા 15 તોલા દાગીના, રૂપિયા 50 હજાર રોકડ મળી રૂપિયા 4.94 લાખનો મુદ્દામાલ તેમજ સાંઇ રૂચી ફાર્મ હાઉસમાં બે ભત્રીજાના લગ્નમા આવેલા સુરતના ઉદ્યોગપતિની કારની કીકીમાંથી સોનાના દાગીના અને કપડાં મળી કુલ્લે રૂપિયા 2,22,000 ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદો તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.
મળેલી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં રહેતા પ્રીતિબેન જીતેન્દ્રભાઈ કોઠારીની દીકરીના 26 નવેમ્બરના રોજ રાત્રે સેવાસી ખાતે આવેલ આરાના પાર્ટી પ્લોટમાં લગ્ન હતા. લગ્નમાં દીકરીને મહેમાનો તરફથી સોનાના દાગીનાની ભેટ તેમજ રોકડ ભેટ મળી હતી.
પરિવારજનો દ્વારા દીકરીને લગ્નમાં મળેલા સોનાના પાટલા, સોનાની ચેન, સોનાની વીંટી, સોનાના સેટ, બ્રેસલેટ જેવા વિવિધ પ્રકારના 15 તોલા વજનના દાગીના તથા રોકડ રૂપિયા 50,000 એક બેગમાં મૂકી લગ્ન પ્રસંગનો આનંદ લઇ રહ્યા હતા.
સાંજના સમયે ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ ગઠિયાઓ દીકરીને ભેટમાં મળેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ ભરેલી બેગ લઈને રફૂચક્કર થઈ ગયા હતા. આ અંગેની જાણ દીકરી ની માતા પ્રીતિબેન કોઠારીને થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે, લગ્નસરાની મોસમ ચાલી રહી હોવા છતાં તાલુકા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટોમાં સીસીટીવી કેમેરાની સુવિધાઓ છે કે કેમ ? તેની તપાસ કરવાને બદલે સામાન્ય જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવતા હતા. પરંતુ લગ્ન પ્રસંગો માટે લાખો રૂપિયા ભાડા વસૂલ કરતા પાર્ટી પ્લોટોમા જરૂરી સુવિધાઓ અંગે તપાસ કરવામાં આવી ન હતી. પરિણામે આરાના પાર્ટી પ્લોટમાંથી કોઠારી પરિવારને દીકરીને લગ્નમાં મળેલી લાખો રૂપિયાની ભેટ ગુમાવવાનો વખત આવ્યો છે.
આ ઉપરાંત તાલુકા પોલીસ મથકની હદમાં સેવાસી-ખાનપુર રોડ ઉપર આવેલ રૂચી ફાર્મ હાઉસમાં બે ભાઈઓના લગ્ન હતા. આ લગ્ન પ્રસંગમાં સુરત વરાછા રોડ ઉપર 94 , શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરવાની કંપની ધરાવતા કપિલભાઈ પ્રાગજીભાઈ કસવાળા પરિવાર સાથે પોતાની કાર લઇને લગ્ન પ્રસંગમાં આવ્યા હતા
સુરતથી કાકાના દીકરા ભાવેશ મધુભાઈ કસવાળાના બે દીકરાઓના લગ્ન પ્રસંગમાં આવેલા કપિલભાઈ કસવાળાએ પોતાની કાર ફાર્મ હાઉસની બહાર પાર્ક કરી હતી. દરમિયાન કોઈ ગઠિયાઓ કારના ગ્લાસ તોડીને કારની ડીકીમાંથી બેગમાં મુકેલ દોઢ તોલાની બે સોનાની બંગડી તેમજ કપડા મળીને રૂપિયા 2, 22, 000 મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કપિલભાઈ કસવાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.