છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવાપુરા ગામ નજીક આજે વહેલી સવારે ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી ઈકો કાર જોરદાર અકસ્માતનો શિકાર બનતા ગોંડલ ખાતે મજૂરીના કામે પતાવી વતન પરત ફરતા એક વ્યકિતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે, જયારે અન્ય દસ મુસાફરોને ઇજાઓ પહોંચી છે.
આ અકસ્માત સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં બન્યો હતો, જયારે કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં વાહન રસ્તાથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી રમેશ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર અન્ય દસ મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બોડેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમામ મુસાફરો ગોંડલ ખાતે મજૂરીના કામે ગયા હતા અને ત્યાંથી વતન મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. બોડેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર વાહન ચલાવતી વખતે સાવચેતી, સ્પીડ નિયંત્રણ અને વહેલી સવારે મુસાફરી દરમ્યાન ચેતનાશીલ રહેવાની જરૂરિયાતને રેખાંકિત કરી છે.
અકસ્માતમાં મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી 42 વર્ષીય રમેશભાઈ ચિમનભાઈ સોલંકીનું અવસાન થયું છે. જયારે કુલ 10 મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જેમાં વિકાસ વાગલીઓ, સપના સેનાઈ, સુનિતા રાઠવા, શિવરામ ભીળાલા, મીલાબેન નરગા, ચંપાલાલ સેવાની, વિજયભાઈ જાદરિયા, મોહનસિંહ ચૌહાણ, કેસરિયાભાઈ લાલસિંગ, અને કેવલસિંગ બામણીયાનો સમાવેશ થાય છે.