- એક્શન મોડમાં પાલિકા: સ્માર્ટ સિટી વડોદરામાં ‘વન ડે વન રોડ’ અભિયાન તેજ; આજે વાઘોડિયા રોડનો વારો.
- દબાણ મુક્ત રસ્તા: ફૂટપાથ પરના લારી-ગલ્લા અને ગેરકાયદેસર શેડ હટાવ્યા; સામાન પણ જપ્ત કરાયો.
- સ્વચ્છતા અભિયાન: ડિવાઈડર પરથી કચરો અને ઘાસ દૂર કરી રસ્તાઓ ચકાચક કરાયા.
- કમિશનરની અપીલ: મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પાન-મસાલા ખાઈ રસ્તા પર ન થૂંકવા નાગરિકોને કરી વિનંતી.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી ‘વન ડે વન રોડ’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે આજે વાઘોડિયા રોડ વિસ્તારમાં સઘન સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
👉કમિશનર સ્થળ પર:
આજની કામગીરીનું મહત્વ એ હતું કે ખુદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કોર્પોરેશનના કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વાઘોડિયા રોડ પર ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
🧐દબાણો પર ત્રાટકી ટીમ:
પાલિકાની દબાણ શાખા દ્વારા રસ્તાની આસપાસ અને ફૂટપાથ પર ખડકાયેલા લારી-ગલ્લા, ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને શેડના દબાણોને જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વેપારીઓનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. રસ્તાઓ ખુલ્લા થતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી છે.
🚮સ્વચ્છતા અને જનજાગૃતિ:
માત્ર દબાણ જ નહીં, પણ રસ્તાની સુંદરતા વધારવા માટે ડિવાઈડર પર જામી ગયેલા કચરા, વધારાના ઘાસ અને ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. કમિશનરે શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોનો સહયોગ માંગતા જણાવ્યું હતું કે, “શહેર આપણું છે, પાન-પડિકી ખાઈને જાહેર રસ્તાઓ કે ડિવાઈડર પર થૂંકીને ગંદકી ન કરવી જોઈએ.”
🗑️આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે આકસ્મિક સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
🫵સ્માર્ટ સિટી ત્યારે જ બનશે જ્યારે રસ્તાઓ ખુલ્લા અને સ્વચ્છ હશે.