Editor's Exclusive

જીલ્લા સંકલનમાં રેતી ચોરી મામલે ધારાસભ્ય આક્રમક: જાણો,ડિમાન્ડ અને સપ્લાયની ગોઠવણ!

Published

on

(મૌલિક પટેલ) વડોદરા જીલ્લામાં મહીસાગર કિનારે,ઓરસંગ કિનારે તેમજ નર્મદા કિનારે રેતીખનન કરતા માફિયાઓનો રાફડો ફાટ્યો છે. આ પરિસ્થિતિમાં કરોડોની ખનીજ સંપત્તિની ચોરી થઈ રહી છે. અને સરકારને મોટું નુકશાન જઇ રહ્યું છે. તાજેતરમાં મળેલી જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ એકસુર થઈને ખનીજ ચોરી અંગે વિરોધ કર્યો હતો. જેમાં પણ ડભોઇના ઓરસંગ નદીના કિનારે થયેલી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે ધારાસભ્ય શૈલેષ મહેતાએ સવાલો ઉભા કર્યા હતા. અને મોટા ખનીજ ચોરો બચી ગયા અને નાના ચોરો દંડાયા તેવી પણ વાત મૂકી હતી.

ડિમાન્ડ અને સપ્લાયનો સમગ્ર ખેલ
જીલ્લામાં થઈ રહેલી ખનીજ ચોરીમાં અનેક મોટા ખેલાડીઓ મેદાને પડયા છે. જે મોટા ખેલાડીઓના ગિરેબાન સુધી ખાણ ખનીજ વિભાગના હાથ પહોંચતા નથી. જિલ્લાના ત્રણેય તરફથી પસાર થતી જીવાદોરી સમાન નદીઓમાં કેટલાક ખનીજ માફિયાઓનું એકહથ્થું શાસન છે. કે એમ કહો કે કબજો જમાવ્યો છે. આ રેતી ચોરીના નેટવર્કમાં ચોમાસા સિવાયના સમયમાં ભરપૂર પ્રમાણમાં રેતીખનન કરવામાં આવે છે અને ત્યારબાદ ચોમાસામાં તેણે ઊંચા ભાવે વેચવા માટે સ્ટોક કરીને તેમાંથી ડિમાન્ડ વધતા સપ્લાય પર નિયંત્રણ કરીને મોટી રકમ વસુલવામાં આવે છે.ખાણખનીજ વિભાગની પકડથી દૂર આ માફિયાઓ આખા રેતી બજાર પર ચોમાસામાં માનમૂકીને ભાવ વસુલે છે. જ્યારે ચોમાસાના સમયે નદીમાં પાણી હોવા છતાંય નાના ખનીજ ચોરો રેતી કાઢીને બજારમાં સ્ટોકીસ્ટ કરતા સસ્તામાં રેતીનું વેચાણ કરે એટલે આ ડિમાન્ડ અને સપ્લાય પર પકડ રાખીને બેઠેલા માફિયાઓનો ખેલ ઉંધો પડી જાય છે. ડભોઇના કરણેટ ગામે થયેલી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી તેનું જીવંત ઉદાહરણ છે.

Advertisement

જ્યાં નાના ખનીજ ચોરો પર કાર્યવાહી કરવાનો મુખ્ય ઉદ્દેશ નજીકમાં રેતીનો સ્ટોક કરીને બેઠેલા મોટા ખનીજ માફિયાઓના નુકશાનને રોકવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કરણેટમાં થઈ રહેલી રેતી ચોરી ચોમાસામાં ખૂબ નાના પ્રમાણમાં હોય છે. બાકીના સમયમાં કોઈ સામાજિક અગ્રણીઓ ફરિયાદ કરવા ઉભા થતા નથી. પણ જ્યારે આખું વર્ષ બેફામ રેતીખનન કરીને સ્ટોક કરનાર ખનીજ માફિયાઓનો સ્ટોક વેચાય નહીં ત્યારે નાના ચોરોને દંડવા ખાણખનીજ વિભાગના અધિકારીઓ આગળ આવે છે.

સ્ટોકીસ્ટની બોલબાલા
કરણેટ ગામ નજીક પણ કેટલાક મોટા સ્ટોક ધારકોએ અપ્રમાણસર સ્ટોક કરીને રાખ્યો છે. જેના સ્ટોકની મર્યાદાઓ અને જથ્થાની રોયલ્ટીની ચકાસણી ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં ખનીજ ચોરી કરીને કરવામાં આવેલો સ્ટોક કન્ટેનરમાં ભરીને અન્ય રાજ્યોમાં ખોટા બિલો બનાવીને સપ્લાય થઈ જાય છે જેના પર પણ ખાણખનીજ વિભાગ ચુપકીદી સેવીને બેઠું છે. રાજયની ખનીજ સંપદા અન્ય રાજ્યમાં ન જાય તે માટે કડક નિયમો છે. પણ આ બધા નિયમો નદીના પટ માંથી ટ્રેક્ટરમાં રેતી ભરીને લઇ જનાર નાના ચોરો માટે જ એપ્લિકેબલ થાય છે. જ્યારે મોટા ખનીજ ચોરો જાણે કેવી રીતે ખાણ ખનીજ વિભાગનું મોઢું બંધ કરાવી દે છે. (અમે કોઈ ચોરની તરફદારી નથી કરતા,પણ કાર્યવાહીમાં પક્ષપાત કરનાર ખાણખનીજ વિભાગની નીતિ ઉજાગર કરીએ છે.)

ખાણખનીજ વિઘાગમાં અરજદારોની ગોપનીયતા શૂન્ય!
નર્મદા કિનારે,મહીસાગર કિનારે અને ઓરસંગ કિનારે થઈ રહેલી રેતી ચોરી અને જિલ્લામાં ઠેરઠેર થઈ રહેલી સાદી માટી ચોરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય ગોડફાધરોના છુપા આશીર્વાદ હોય છે.જો કોઈ સામાન્ય નાગરિક કે સામાજિક અગ્રણી રેતી ચોરી કે માટી ચોરી અંગે જીલ્લા ખાણ ખનીજ વિભાગને ટેલિફોનિક કે લેખિત ફરિયાદ કરે તો તેની ફરિયાદની ગોપનીયતા જળવાતી નથી. ગેરકાયદેસર પ્રવૃતિઓ પર કાર્યવાહી થાય તે પહેલાં તો ખાણ ખનીજ વિભાગના કેટલાક ફૂટેલા કર્મચારીઓ ખનીજ માફિયાઓ સુધી ફરિયાદીની વિગતો પહોંચાડી દે છે. જેને કારણે ફરિયાદીઓને જાનનું જોખમ બની આવે છે. કરોડોના ખનીજ ચોરીના નેટવર્કમાં ફરિયાદ કરતા જાગૃત નાગરિકો પર દબાણ ઉભું કરવા રાજકીય પીઠબળનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પરિણામે ભવિષ્યમાં કોઈ ખનીજ માફિયા સામે ફરિયાદ કરનાર ફરિયાદીની જાન જોખમાય તો નવાઈ નહીં!!

જીલ્લાના અનેક મોટા ખનીજચોરો સાથે કેટલાક અધિકારીઓની સાંઠગાંઠ ફેક્ટ ફાઈન્ડર ટૂંક સમયમાં ખુલ્લી પાડશે.

Advertisement

Trending

Exit mobile version