- પહેલા મ્યુનિ. કમિ. અને ચેરમેન ત્યાં પહોંચ્યા હતા. અને મારા આવતા પહેલા જતા રહ્યા હતા. આવું વર્તન કેમ કર્યું તે મને સમજાતું નથી. – મેયર
વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મોટી તિરાડ પડી હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ મેયર ઓફિસ દ્વારા મંગલપાંડે બ્રિજ નીચે ચાલતી વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કરવા માટેનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ અંગે અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી હતી. જો કે, આ મામલે મેયર પહોંચે તે પહેલા જ મ્યુનિ. કમિ. દિલીપ રાણા અને ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી ત્યાંથી મુલાકાત લઇને જતા રહ્યા હતા. આ ઘટના બાદ મેયર ખુલીને મીડિયા સમક્ષ આવ્યા છે. અને તેમની જોડે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું છે.
મેયર પિન્કી સોનીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરાના વિકાસને લઇને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કરતા આવ્યા છે. પરંતુ ગતરોજ જે ઘટના થઇ તે યોગ્ય ન્હતી. મેયર ઓફિસ દ્વારા ચેરમેન અને મ્યુનિ. કમિ. સહિત તમામને 11 – 30 કલાકે મંગલપાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના પટમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જવા જણાવ્યું હતું. મારા જતા પહેલા મ્યુનિ. કમિ. અને ચેરમેન ત્યાં પહોંચ્યા હતા. અને મારા આવતા પહેલા ત્યાંથી જતા રહ્યા હતા. તેમણે મારી જોડે આવું વર્તન કેમ કર્યું તે મને સમજાતું નથી.
આ પહેલી વખત નથી. મારી જોડે અગાઉ મંગલપાંડે બ્રિજ નીચે કામગીરીનું ખાતમુહૂર્ત કરવાનું હતું, તે સમયે પણ આવું જ થયું હતું. મને છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી હતી. તે પહેલા વડસર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પણ મને ખુબ ટુંકા ગાળામાં જાણ કરવામાં આવતી હતી. તાજેતરમાં મ્યુનિ. કમિ.ને મેં કામગીરી અંગે જાણવા માહિતી માંગી તો તેમણે મને જવાબ આપ્યો કે, પાલિકાના એન્જિનિયર ધાર્મિક દવે દ્વારા તમને વોટ્સએપ પર લેટેસ્ટ અપડેટ્સ મોકલી દેવામાં આવી છે. ગતરોજ તેઓ સ્થળ પર મારા પહેલા આવીને જતા રહ્યા હતા, આજે પણ તેઓ ભીમનાથ બ્રિજ નીચે કામગીરીનું નિરીક્ષણ કરવા જવાના હતા. ત્યાં પણ તેમણે એવું જ કર્યું હતું. આ બધુ કેમ થઇ રહ્યું છે તે હું નથી જાણતી.
ગતરોજ પાલિકાના અધિકારી દ્વારા કોર્પોરેટરને વહેલા આવવા માટે ફોન કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી મેં નંબર મેળવ્યો છે. તેમને આજે સાંજે મળવાનું થશે, તેમની પાસેથી જાણીશું કે કોણે આ પ્રકારે ફોન કરવા કહ્યું હતું. મારી અવગણના કરવામાં આવી રહી છે. કદાચ તેવું હોઇ શકે કે તેઓ (મ્યુનિ. કમિ) IAS અધિકારી છે, અને હું કોમર્સ ગ્રેજ્યુએટ હોઉં, જેથી તેમને વાત કરવામાં સુગમતા ના રહે.