વડોદરા: શહેરના અતિ વ્યસ્ત અને મોબાઈલ એસેસરીઝના હબ ગણાતા મરી માતાના ખાંચા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં આવેલી મધ્યવર્તી સ્કૂલની પાછળના ભાગમાં એક અત્યંત જર્જરિત બિલ્ડિંગનો આગળનો હિસ્સો અચાનક ધરાશાયી થતા સમગ્ર બજારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કાટમાળ પડ્યો ત્યારે નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.
🧐બોરિંગ બન્યું કારણ?
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગના નીચેના ભાગમાં એક ભાડુઆત દ્વારા ગઈકાલે બોરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બોરિંગ દરમિયાન થયેલા અતિશય વાઈબ્રેશનને કારણે આ નબળી બિલ્ડિંગનું માળખું વધુ જોખમી બન્યું હતું અને આજે તે ધરાશાયી થયું હતું. વેપારીઓની આવી બેદરકારી સામે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
🅿️પાર્કિંગની સમસ્યા અને લાચાર તંત્ર:
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ હંમેશની જેમ ‘આડેધડ પાર્કિંગ’ વિલન સાબિત થયું હતું. મરી માતાના ખાંચામાં વેપારીઓ અને ગ્રાહકો દ્વારા રસ્તા પર જ વાહનો ખડકી દેવામાં આવતા હોવાથી ફાયર બ્રિગેડનું મોટું વાહન અંદર પ્રવેશી શક્યું નહોતું. જો આ ઘટનામાં આગ લાગી હોત કે કોઈ દબાયું હોત, તો સમયસર મદદ પહોંચવી અશક્ય બની જત.
🫵વારંવારની રજૂઆતો છતાં આ વિસ્તારમાં પાર્કિંગ અને જર્જરિત મકાનોની સમસ્યાનો ઉકેલ આવતો નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ મકાન માલિક અને આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કયા કડક પગલાં લે છે.