વડોદરા પાસે આવેલા કરજણમાં આરોપી અસગર અલી શેખ દ્વારા પરિણીતા કોમલબેન (નામ બદલ્યું છે) ની હોટલમાં છેડતી કરવામાં આવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાવવા પામી છે. ગત માસમાં ઘટેલી ઘટના અંગે પરિણીતાના પતિ અને તેમના દિયરે આરોપીને કહેવા જતા તેણે બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કોમલબેન (નામ બદલ્યું છે) ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં કરજણની હોટલ પર રાત્રે હાજર હતા. દરમિયાન આરોપી અસગર અલી શેખ દ્વારા તેની જોડે બોલવું છે, આઇ લવ યુ કહીને ભોગબનનારનો હાથ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કોમલબેને જેમ તેમ કરીને પોતાની જાતને બચાવી લીધી હતી.
ત્યાર બાદ તેઓ વાસણનું કામ કરવા જઇ રહ્યા હતા. તેવામાં આરોપીએ તેમને પકડી ગેરવર્તણુંક કરી હતી. બાદમાં આ ઘટના અંગે કોમલબેને તેમના પતિને વાત કરી હતી. ઘટના બાદ ગતરોજ આરોપી અસગર અલી શેખને કોમલબેનના પતિ અને દિયર દ્વારા આ મામલે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે લાજવાની બદલે ગાજ્યો હતો. અને તેણે બંનેને બેફામ ગાળો આપી હતી. અને ધમકી ઉચ્ચારતા કહ્યું કે, પોલીસમાં ફરિયાદ કરવા જઇશ તો જાનથી મારી નાંખીશ.
આખરે ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથકમાં આરોપી અસગર અલી શેખ (રહે. કરજણ, જુના બજાર) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.