- આજે સવારથી જ લહેરીપુરા ગેટથી ન્યુ લહેરીપુરા તરફના રસ્તા પર આવતા દબાણો દુર કરવાનું કામ જારી છે – કર્મચારી, પાલિકા
- વડોદરા પાલિકાએ પોલીસ સાથે મળીને દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરી
- ડીસીપી અભિષેક ગુપ્તા સમગ્ર કામગીરી સમયે ટીમ જોડે હાજર રહ્યા
- પાલિકા અને પોલીસના વિવિધ વિભાગે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી
તહેવારો પહેલા વડોદરા શહેરના રોડ પર લારી-ગલ્લા તથા પથારા પાથરીને બેસતા લોકો દ્વારા કરવામાં આવતું દબાણ દુર કરવા માટે પાલિકા અને પોલીસ તંત્રએ કમર કસી છે. આજે શહેરના વહીવટી વોર્ડ નં – 13 અને 14 માં દબાણો દુર કરવાનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને પગલે રોડ-રસ્તા ખુલ્લા થવા, તથા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર થવાની કામગીરી વ્યાપક ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે, જ્યારે દબાણખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.
પાલિકાના કર્મચારીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારથી જ લહેરીપુરા ગેટથી ન્યુ લહેરીપુરા તરફના રસ્તા પર આવતા દબાણો દુર કરવાનું કામ જારી છે. જે રસ્તા પર લોકો ઉભા રહે છે, લારીઓ લગાવે છે, પથારા લગાવે છે, તેમને કારણે રસ્તા પર દબાણ ઉભુ થાય છે. તે માટે વડોદરા પોલીસ, અને પાલિકાની ટીમો દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં વહીવટી વોર્ડ નં – 13 અને 14 માં દબાણો દુર કરવાની કામગીરી ચાલી રહી છે.
ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરા પાલિકાની હાજરીમાં ટ્રાફિક પોલીસ, સિટી અને વાડી પોલીસ મથકનો સ્ટાફ હાજર છે. અમે દબાણ હટાવવાની કામગીરીમાં સહકાર આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લહેરીપુરા ગેટથી ચાલુ કરીને દુધવાળા મહોલ્લા, ચોખંડી થઇને માંડવી થઇને આગળનો જે પટ્ટો છે, ત્યાં ઘણાબધા લારી ગલ્લા આવી ગયા છે. તેને દુર કરવા માટે અમે વીએમસીની મદદે છીએ. રોડ પર કોઇ વાહન દેખાય તો તેને ડિટેઇન કરવાની કામગીરી સાથે જ પાવતી આપવા માટે ટ્રાફિક પોલીસના જવાનોને વિશેષ તૈનાત કરવામાં આવ્યા છે.