પરિણામ: વડોદરાનું 21.51% ઉંચું પરિણામ, 60 થી વધુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મળ્યા.
વડોદરાના શૈક્ષણિક જગત માટે આજે ગૌરવનો દિવસ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વડોદરાએ આ વખતે ઈતિહાસ રચ્યો છે, કારણ કે પહેલીવાર શહેરના 5 તેજસ્વી તારલાઓએ દેશના ટોપ-50 (AIR) માં સ્થાન મેળવ્યું છે.”
🎩શહેરના ગૌરવ સમાન ટોપર્સ:
વડોદરાના આ પાંચ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે મેળવેલ ક્રમ નીચે મુજબ છે:
તિર્થ ઠક્કર: AIR 29 (વડોદરામાં પ્રથમ)
જિલ્સ પટેલ: AIR 30
નિલેશ સુથાર: AIR 39
વ્રજલ સોની: AIR 47
કશિશ ખરાદી: AIR 49
📚મિત્રતા અને મહેનતનો સંગમ: ‘🧑🎓થ્રી ઈડિયટ્સ’ની કહાની
વડોદરામાં પ્રથમ આવનાર તિર્થ ઠક્કરની સફળતા પાછળ એક ખાસ મિત્રતા છે. તિર્થ અને તેના મિત્રો આર્યન દોડિયા તથા વ્રજ ગામેતી, જેઓ ઈન્સ્ટિટ્યૂટમાં ‘થ્રી ઈડિયટ્સ’ તરીકે ઓળખાય છે, તેમણે ફાઉન્ડેશનથી લઈને આર્ટિકલશિપ સુધીની સફર સાથે ખેડી છે. પિતાના નિધન છતાં, મક્કમ મનોબળ અને મિત્રોના સાથથી તિર્થે રોજ 12-14 કલાક મહેનત કરી આ સિદ્ધિ મેળવી છે. હવે આ મિત્રો ભવિષ્યમાં સાથે મળીને સીએ ફર્મ શરૂ કરવાનું સપનું સેવી રહ્યા છે.
🧑🎓સંઘર્ષની અનોખી મિશાલ: નિલેશ સુથાર
દેશમાં 39મો રેન્ક મેળવનાર નિલેશ સુથારની વાર્તા પ્રેરણાદાયી છે. નિલેશના પિતા સુથારીકામ કરે છે. નિલેશે પોતાનો મોટાભાગનો અભ્યાસ ભાડાના એક રૂમના મકાનમાં રહીને કર્યો છે. પરિવારમાં કોઈ કોલેજ પણ નથી ગયું, છતાં નિલેશે પહેલા જ પ્રયત્ને સીએ બનીને માતા-પિતાના ત્યાગનું વળતર આપ્યું છે.
🎩સફળતાનો મંત્ર: રિવિઝન અને ફેમિલી સપોર્ટ
AIR 49 મેળવનાર કશિશ ખરાદીએ જણાવ્યું કે લાંબા કોર્સને યાદ રાખવા માટે ‘રિવિઝન’ સૌથી મહત્વનું છે. સોશિયલ મીડિયાથી દૂરી અને પરિવાર સાથે વિતાવેલો સમય માનસિક ફ્રેશનેસ માટે જરૂરી છે.
🧐વડોદરાનું પ્રદર્શન:
આ વર્ષે વડોદરાનું પરિણામ 21.51% રહ્યું છે. કુલ 581 વિદ્યાર્થીઓમાંથી 125 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાંથી અંદાજે 60 વિદ્યાર્થીઓ હવે સત્તાવાર રીતે ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ બની ગયા છે.
“આ સફળતા માત્ર આ વિદ્યાર્થીઓની નથી, પણ તેમના વાલીઓ અને વડોદરાના શિક્ષણ જગતની જીત છે.”