અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે રિક્ષા ચાલક પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યાની શાહી સુકાઈ નથી ત્યાં જ વડોદરાની ગોરવા વિસ્તારમાં આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા દેવડા પરિવારે ગત બપોરે 4:00 વાગ્યે એક સાથે ઝેરી દવા પી જીવતર ટૂંકાવા માટે પ્રયાસ કર્યો હતો. બાદ તેમને ઉલટી થવા માંડી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગૃહ કંકાસ કે આર્થિક સંકડામણ ? કયા કારણસર જીવતર ટુંકાવવા પ્રયાસ કર્યો તે સંદર્ભે જવાહરનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયેલી વિગતો મુજબ ગોરવા જલાનંદ ટાઉનશીપ નજીક આવેલી રાજદીપ સોસાયટીમાં 52 વર્ષના સુભાષ સલુભાઈ દેવડા, 49 વર્ષના તેમના પત્ની સુરેખાબેન, 23 વર્ષનો દીકરો હેત, 17 વર્ષનો દીકરો હોવા અને પાંચ વર્ષનો દીકરો પાનવ રહે છે. જીવનની ઘટમાળમાં ક્યારે શું બને તે કહી શકાય નહીં તે ઉક્તિ મુજબ દેવડા પરિવાર ગત બપોરે પોતાના ઘરે ચાર વાગ્યે ભેગા થયા હતા. ચા પાણી પીધા પછી કોઈ કારણસર તમામે ઝેરી દવા ગટગટાવી હતી. તેને કારણે તમામને ઉલટી થવા માંડી હતી. તેની જાણ આડોશી પાડોશીને મોડી થઈ હતી. તેઓ તેમના ઘરે આવ્યા હતાને 108 ને બોલાવી તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા.
જવાહરનગર પોલીસે જણાવ્યા મુજબ પરિવાર આર્થિક સંકળામણને કારણે કે પછી ગૃહ કંકાસને પગલે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.
દેવડા પરિવારના જીવતર ટુંકાવવાના પ્રયાસના પગલે સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.
નોંધનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના બગોદરા એસટી બસ સ્ટેન્ડ ની બાજુમાં ભાડેથી રહેતા રિક્ષા ચાલકના પરિવારે પણ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી જીવન લીલા સંકેલી લીધી હતી. આર્થિક ભીંસ અનેકના જીવનને ભરખી જતી હોય છે.