વડોદરા પાલિકા ની વડી કચેરી પાસે આવેલા ખંડેરાવ માર્કેટ પાસે મીઠાઇના વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવતા રસ્તો સાંકડો થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેને લઇને રાહદારીઓ અને વેપારીઓ વચ્ચે ભારે રકઝક થઇ હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. લોકોને પડતી મુશ્કેલીઓ સામે હવે પાલિકા અને પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. મુશ્કેલી ભોગવતા રાહદારીઓનું કહેવું છે કે, દબાણ અંગે કહેવા જઇએ તો ઉદ્ધતાઇ પૂર્વક વર્તણ કરવામાં આવી રહ્યું છે. જે ખોટું છે.
દિપાવલી ટાણે ખરીદી કરવા માટે માર્કેટમાં ઉભુ રહેવાની જગ્યા ના હોય તે હદની ભીડ જોવા મળી રહી છે. આ વચ્ચે વડોદરા પાલિકાની વડી કચેરી પાસે આવેલા ખંડેરાવ માર્કેટમાં મીઠાઇના વેપારીઓ દ્વારા દુકાન બહાર પાથરણું, ટેબલ તથા અન્ય દબાણો કરી દેવામાં આવ્યા હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ દબાણ કરવામાં આવતા રોડ-રસ્તા પરની અવર જવર પર તેની અસર પડી રહી છે. વેપારીઓ દ્વારા ગ્રાહકો સરળતાથી ખરીદી કરી શકે તે માટે આ વ્યવસ્થા તૈયાર કરાઇ હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ આ વ્યવસ્થાના કારણે રસ્તા સાંકડા થયા છે. અને ખાસ કરીને અહિંયાથી કાર લઇને જવું ભારે મુશ્કેલ બન્યું છે.
તાજેતરમાં કાર ચાલક અને વેપારીઓ વચ્ચે રકઝક થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. તેના પરથી વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણની માહિતી સપાટી પર આવવા પામી હતી. લોકોને આકર્ષવા માટે વેપારીઓએ જે વ્યવસ્થા ગોઠવી હવે તે અવર-જવર કરનારા વાહનો માટે ફાંસ બની રહી છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેશે. આ મુદ્દે બે વિભાગોએ ત્વરિત પગલાં લેવાની જરૂર છે, ટ્રાફીક મેનેજમેન્ટ માટે પોલીસ વિભાગ અને દબાણો સામેની કામગીરી માટે પાલિકા વિભાગે સત્વરે કામગીરી કરે તેવી આશા સેવાઇ રહી છે.