Vadodara

જાનૈયાઓ ઉંટગાડામાં અને વરરાજા બળદગાડામાં : વડોદરાના પોર ગામે નીકળી અનોખી લગ્નની જાન

Published

on

હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે વડોદરાના પોર ગામનો યુવાન ઉંટ ગાડામાં જાન લઈને સલાડ ગામમાં લગ્ન કરવા નીકળ્યો હતો. 15 ઉંટ ગાડામાં વાજતેગાજતે નીકળેલી જાને વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જયારે વરરાજા પોતે બળદગાડામાં બિરાજમાન જોવા મળ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે પોર ગામમાં રહેતા જ્યોતિષકુમાર (જગદીશભાઈ ) ધુળાભાઈ પટેલ અને હિનાબેન પટેલના સુપુત્ર દીક્ષિતના લગ્ન સલાડ ગામના સંજયભાઈ સુરેશભાઈ જોષી અને જાગૃતીબેન જોષીના સુપુત્રી રીમા સાથે તા. 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12 કલાકે યોજાયા હતા.

Advertisement

તા. 20 મીના રોજ શુક્રવારે સાંજે 5 કલાકે દિક્ષિતની જાન ઉંટ ગાડામાં પોર ગામથી 7 કિલોમીટર દૂર આવેલા સલાડ ગામમાં જવા માટે નિકળી હતી. દિક્ષિતના લગ્નમાં મોંઘીદાટ ગાડીઓમાં આવેલા 300 જેટલા મહેમાનો પણ ઉંટ ગાડામાં બેસીને જાનમાં ગયા હતા. જોરદાર શણગારેલા 15 થી 20 ઉંટ ગાડામાં નીકળેલી જાને ભારે આકર્ષણ જમાવ્યું હતું.

વરરાજા દિક્ષિતના પિતા જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દિક્ષિત મારો એકનો એક પુત્ર છે. તે ખેતી કરે છે. પુત્રના મારે અનોખી રીતે લગ્ન કરવા હતા. મોંઘીદાટ કાર, હેલિકોપ્ટર જેવા આધુનિક વાહનોમાં લગ્નની જાન લઇ જવી હવે સામાન્ય બની ગઇ છે. મારે કંઇક અલગ કરવું હતું. આથી મેં ઉંટ ગાડામાં જાન લઇને જવાનું નક્કી કર્યું હતું. પુત્ર દિક્ષિત ખેતી કરે છે અને રીમા ઘરકામ કરે છે. બંનેના લગ્ન એરેન્જ મેરેજ છે.

પોર ગામમાંથી 5 કલાકે નીકળેલી જાન એકથી દોઢ કલાકમાં સલાડ ગામમાં પહોંચી હતી. અને રાત્રે 12 કલાકે દિક્ષિત અને રીમાના શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન યોજાયા હતા. નોંધનીય છે કે, વર્ષો પહેલાં ટ્રાન્સપોર્ટની કોઇ સુવિધાઓ ન હતી ત્યારે બળદગાડામાં જાન જતી હતી. ત્યારે પોર ગામમાંથી ઉંટ ગાડામાં નીકળેલી જાને વર્ષો જુની યાદો તાજી કરાવી છે.

Advertisement

Trending

Exit mobile version