- આ મામલે દાણચોરીની આશંકાએ તપાસ કરવામાં આવી રહી છે. જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દેવામાં આવી છે
- વડોદરા રેલવે પોલીસે સોનાના મોટા જથ્થા સાથે એકની ધરપકડ કરી
- યુવક સોનાના ઘરેણા વેપારીને વેચવા આવ્યો હોવાનું જણાવી રહ્યો છે
- વડોદરા પોલીસે દાણચોરી સહિતના પાસાઓને ધ્યાને રાખીને તપાસ તેજ કરી
આજે સવારે મુંબઇથી વડોદરા આવેલી વંદે ભારત ટ્રેનમાં આવતા મોહિત સિંઘવી નામના એક શખ્સને પોલીસે દબોચ્યો છે. તેની પાસેના સામાનની તપાસમાં મોટી માત્રામાં સોનાના ઘરેણાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. બાદમાં શખ્સની અટકાયત કરીને તેની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની કિંમતનું સોનું ક્યાંથી લાવીને ક્યાં લઇ જઇ રહ્યો હતો, તે સહિતના પ્રશ્નો ઉકેલવા માટે વડોદરા રેલવે પોલીસ દ્વારા તપાસ તેજ બનાવી દેવામાં આવી છે. જો કે, આ મામલે મુસાફરનું કહેવું છે કે, તેની પાસે તમામના બિલ-પુરાવા છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ વડોદરા પોલીસ દ્વારા લિક્વિડ સોનાની દાણચોરીનો મોટો કિસ્સો પકડી પાડવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટના સામે આવી છે. જેમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને કાર્યવાહી કરી રહી છે.
આ સમગ્ર મામલે વડોદરા રેલવે પોલીસની ડીવાયએસપી જી. એસ. બારીયાએ મીડિયાને જણાવ્યું કે, અમે 6 કરોડની કિંમતના સોના સાથે શખ્સને પકડ્યો છે. તેનું કહેવું છે કે, તેની પાસે બિલ-પુરાવા છે. દાણચોરીની આશંકાએ તપાસ કરવામાં આવી રહી છે. જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દેવામાં આવી છે. તે મુંબઇથી વડોદરા આવ્યો છે. તે વડોદરાના નાના વેપારીને સોનું પસંદ પડે તો વેચતા હોવાનું જણાવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તે ગણદેવીકર સોનીનું નામ લઇ રહ્યો છે, તેમની પાસે બીલ છે, અને આ કાયદેસર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કોઇ પણ ગુનાહિત કૃત્ય જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ સિક્યોરીટી સંબંધિત પ્રશ્ન છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાંના ભંગનો ગુનો થતો હશે, તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. તેનું કહેવું છે કે, પહેલી વખત તે આવ્યો છે. તે સિવાયના વેપારી-એજન્ટ આવતા હોઇ શકે છે.