રણોલી બેંક ઓફ બરોડા શાખામાં 3.47 કરોડ રૂપિયામાં છેતરપિંડીનો આક્ષેપ.8 લોકો સામે જવાબદારી, જેમાં મૃણાલી ચિરાગ શાહ, મોનાર્ક શાહ સહિત અન્ય ગ્રુપના સહભાગી છે.
- પ્રોજેક્ટ લોનની શરતોનું ઉલ્લંઘન કરીને પલાસ હાઈટ્સ અને રાધે ગોવિંદ ડુપ્લેક્સ પર અનેક બેંકમાંથી લોન લીધી.
- બોગસ કંપનીઓના દસ્તાવેજો દ્વારા રૂ. 50 લાખથી વધુની લોન લીધી અને લોનની રકમનો અન્ય ઉપયોગ કર્યો.
- પોલીસએ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાની નોંધ કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા.
વડોદરાના જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપ ગીરીરાજ ડેવલોપર્સ સામે કરોડો રૂપિયાની બેંક છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. રણોલી સ્થિત બેન્ક ઓફ બરોડાની શાખામાંથી 3.47 કરોડ રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી હોવાનું બહાર આવતાં જવાહરનગર પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદ ક્રેડિટ ઓફિસર કંદર્પ લલિત જોશીએ નોંધાવી હતી. તેમણે જણાવ્યા મુજબ, વર્ષ 2022થી 2024 દરમિયાન ગીરીરાજ ડેવલોપર્સે તરસાલી ખાતેના “પલાસ હાઈટ્સ” અને બાપોદ સ્થિત “રાધે ગોવિંદ ડુપ્લેક્સ” પ્રોજેક્ટને આધારે વિવિધ હોમ લોન તેમજ કેશ ક્રેડિટ (CC) લોન લીધી હતી, જેમાં મોટી હેરાફેરી થઈ હતી.
ગીરીરાજ ડેવલોપર્સના ભાગીદારો મૃણાલી ચિરાગ શાહ, મોનાર્ક ચિરાગ શાહ અને સ્વ. મોનીશ પંડ્યાએ અન્ય ભાગીદારો તથા સહયોગીઓ સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. લોન ધારકોના નામે ખોટા દસ્તાવેજો બનાવી રૂ. 3.47 કરોડની લેણી રકમ ઊચી કાઢવામાં આવી હતી.તપાસમાં ખુલ્યું કે વર્ષ 2018માં પાદરા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાથી રૂ. 4.95 કરોડની પ્રોજેક્ટ લોન લઈને ગીરીરાજ ડેવલોપર્સે પલાસ હાઈટ્સ સાઈટ ઉભી કરી હતી.
પરંતુ બાદમાં તે જ પ્રોપર્ટી પર બીજાં બેંકમાંથી નવી લોન મેળવી શરતોનો ભંગ કર્યો હતો.પરીક્ષણ દરમિયાન બોગસ કંપની “પેરી ગ્રીન”ના નામે રૂ. 50 લાખની સી.સી. લોન લેવામાં આવી હતી. તે જ રીતે “એસ.કે. ફર્નિચર” નામની ખોટી ફર્મના દસ્તાવેજ બતાવી દુકાનો ખરીદવા તથા રીનોવેશનના બહાને વધુ 50 લાખની ટર્મ લોન પણ ઉઠાવવામાં આવી હતી.અન્ય આરોપીઓએ પણ રાધે ગોવિંદ ડુપ્લેક્સની દુકાન પર વેપારના બહાને રૂ. 50 લાખની લોન લીધી હતી, પરંતુ આ રકમનો ઉપયોગ ધંધામાં ન કરીને વ્યક્તિગત કામમાં થઈ ગયો હતો.
ગત સમયમાં મૃણાલી શાહે બેંકને રૂ. 2 કરોડ જમા કરવાની બાહેધરી આપી હતી, પરંતુ અત્યાર સુધી માત્ર રૂ. 50 લાખ જમા કરાવ્યા છે. સમગ્ર ઘટનામાં બેંકના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં તે તપાસ હાલ શરૂ છે.પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધ્યા બાદ આરોપીઓની ધરપકડ માટે ચક્રો ઝડપી ગતિએ ફરી રહ્યા છે.