સ્મશાનના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શન બાદ મોડે મોડે સામાજીક અગ્રણીઓ મેદાને આવ્યા
વિપક્ષ માત્ર પત્ર લખીને સંતોષ માણે છે તેવા મહેન્દ્રસિંહ રાઠોડના આક્ષેપો
સ્મશાન મુદ્દે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસે જેતે સમયે આંદોલન કરીને ધરપકડ પણ વહોરી હતી
જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું.. આ મંત્ર ક્યારેક કોઈ રાજકીય પક્ષનો મહામંત્ર કહેવાતો હતો.. હવે આ મહામંત્રનો ઉપયોગ સમાજસેવાના નામે પોતાની વ્યક્તિગત છબી તૈયાર કરતા કહેવાતા સમાજ સેવકો કરી રહ્યા છે.
આજે સ્મશાનના ખાનગીકરણ કરવા મુદ્દે કેટલાક સમાજ સેવકો મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા આવી પહોંચ્યા હતા. ગત વર્ષે પાલિકાએ સ્મશાનોને ખાનગી સંસ્થાઓને સોંપી દેવાનો નિર્ણય લીધો હતો. જેની સામે હાલ સુધી સ્મશાનનું સંચાલન કરતી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેતે સમયે ઓગસ્ટ મહિનામાં પાલિકાના વિપક્ષની ભૂમિકામાં રહેલા કોંગ્રેસ પક્ષે પણ સ્મશાનોના ખાનગીકરણ મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે જાહેરમાં દેખાવો,ધરણા કરીને આંદોલનનું સ્વરૂપ પણ આપ્યું હતું.
સ્મશાનના ખાનગીકરણના નામે લૂંટફાટ બંધ કરો.. અને સત્તાધીશો શરમ કરો, ના સૂત્રો સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપીને ખાસવાડી સ્મશાનની સામે દેખાવો પણ કર્યો હતો.
સમગ્ર પ્રકરણ બાદ મોડે મોડે જાગેલા સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ અને સાથેના અન્ય સમર્થકોએ સ્મશાનના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવીને મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મીડિયા સમક્ષ એવું જુઠ્ઠાણું ફલાવ્યું કે, કોંગ્રેસ દ્વારા સ્મશાનના ખાનગીકરણ મુદ્દે ક્યારેય કોઈ આંદોલન કરવામાં આવ્યું જ નથી.
મહત્વની બાબત એ છે કે સામાજિક અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ સ્મશાન મુદ્દે જાણે મોડા પડ્યા હોય તેમ નિર્ણયના છ મહિના બાદ આંદોલન કરવા મેદાને ચડ્યા છે સ્મશાનમાં ખાનગીકરણ બાદ થયેલી અવ્યવસ્થા એ મહત્વનો મુદ્દો છે. પરંતુ આ વિરોધના મુદ્દાને કોણે કેટલીવાર ઉઠાવ્યો તેના પર થઈ રહેલું રાજકારણ વિષયને મુખ્ય મુદ્દાથી ભટકાવવાનું એક કાવતરું હોય તેમ લાગી રહ્યું છે.
સ્મશાનના ખાનગીકરણને અટકાવવા માટે જે તે સમયે પાલિકાના વિપક્ષ દ્વારા કરેલા પ્રયત્નો સમયે મહેન્દ્રસિંહ રાઠોડ અને તેમના સામાજિક અગ્રણીઓ ક્યાં હતા તેઓ પણ સવાલ સાર્વજનિક માધ્યમોમાં ઊભો થયો છે.