Vadodara

સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપ્યા બાદ પણ પ્રજાને લોહીઉકાળા

Published

on

  • સ્મશાનમાં કર્મચારીઓ હોવા જોઇએ, તે ન્હતા લાકડા, છાણા, સહિતનું ચિતા પર ગોઠવવાનું કામ અમારે જાતે કરવું પડ્યું છે – મૃતકના સ્વજન
  • વડોદરાના સ્મશાનોનો વહીવટ ખાડે ગયો
  • પાલિકાએ બિનઅનુભવીને જવાબદારી સોંપતા રોજ નવી સમસ્યાઓ સામે આવે છે
  • મૃતકના સ્વજનોએ જાતે જ અંતિમક્રિયાનો સામાન ગોઠવવા પડતા રોષ

એક માસ પહેલા વડોદરા ના તમામ સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યા છે. પાલિકા પ્રતિ મૃતદેહ તેમને પૈસા ચુકવશે, છતાં સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવતા મૃતકના પરિજનોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઇ રહી. આજે વડોદરાના સૌથી મોટા અને જુના ખાસવાડી સ્મશાનમાં માણસોના અભાવે લોકોએ જાતે જ અંતિમ ક્રિયાનો સામાન ગોઠવવો પડ્યો હતો. જેને પગલે લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

મૃતકના સ્વજન મહેશભાઇ જવાહરલાલ કનોજીયા મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે અંતિમ સંસ્કાર માટે દેહ લઇને આવ્યા છીએ. ત્યારે સ્મશાનમાં જે કર્મચારીઓ હોવા જોઇએ, તે ન્હતા, લાકડા, છાણા, સહિતનું ચિતા પર ગોઠવવાનું કામ અમારે જાતે કરવું પડ્યું છે. અહિંયાના કોઇ પણ કર્મચારી હાજર રહ્યા નથી. કર્મચારીઓ પગાર, ઓછા પગારને લઇને કામ કરવા તૈયાર નથી. તેમને નોકરીમાંથી કાઢી નાંખવાની ધમકી આપવામાં આવે છે. વડોદરામાં વિતેલા 40 વર્ષથી હરી સેવા ટ્રસ્ટ દ્વારા જે સુવિધાઓ આપવામાં આવતી હતી. તો પાલિકા દ્વારા ચાર્જ લગાડવાની જે વાત કરાઇ, તે અયોગ્ય છે. વડોદરા વાસીઓ આ સહન નહીં કરી શકે, આ નિર્ણય સરકારના વિરૂદ્ધમાં પણ જઇ શકે છે. વડોદરાવાસીઓ હવે જાગૃત થઇ રહ્યા છે,

Advertisement

સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, વડોદરાના સ્મશાનોમાં કોન્ટ્રાક્ટર આપવાને લઇને ઉહાપોહ મચ્યો છે. આજે સવારે બે મૃતદેહો ખાસવાડી સ્મશાનમાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે કહ્યું કે, બે કલાક લાગશે, તે સમયે કોઇ માણસ હાજર ન્હતો. તમે બીજે બોડી લઇને જાઓ. હવે કોન્ટ્રાક્ટર તેવું જણાવે છે કે, તેઓ ચ્હા પીવા ગયા હતા. ખરેખર કર્મચારીઓનો પગાર નહીં થવાના કારણે મુશ્કેલી સર્જાઇ હતી. જેમ-તેમ કરીને કામ ચલાવવું પડી રહ્યું છે. મૃતદેહોનો મલાજો જળવાતો નથી. મૃતદેહો મુકી રાખવા પડે, સંસ્કારી નગરી માટે ગંભીર બાબત છે.

તેમણે ઉમેર્યું કે, લોકો પણ વિચારે છે કે, આવું કેમ થઇ રહ્યું છે. સ્મશાનના વહીવટમાં મલાઇ ખાવાનો જે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે, તેને લઇને પ્રજા ભોગવી રહી છે. કોન્ટ્રાક્ટર યોગ્ય કામગીરી ના કરતા હોય તો તેમને છુટા કરી દેવા જોઇએ. આવા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં આવે. કોન્ટ્રાક્ટ આપ્યા પહેલા બધીય સુવિધાઓ મળી રહેતી હતી. હવે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ સ્મશાનો રામ ભરોસે છે.

Advertisement

Trending

Exit mobile version