જોખમી રસ્તા:ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રસ્તામાં મસમોટા ખાડા, મોટી હોનારતનો ભય.
પોકળ દાવા:20 જૂન સુધી કામ પૂરું કરવાની મ્યુનિસિપલ કમિશનરની સૂચના માત્ર કાગળ પર.
દોઢ વર્ષથી રસ્તો બંધ:શહેરના મહત્વના માર્ગો લાંબા સમયથી બંધ હોવા છતાં તંત્ર ઉદાસીન.
વારંવાર ખોદકામ:અધૂરા કામો અને વારંવારના રિપેરિંગને કારણે શહેરીજનોની હાલાકીમાં વધારો.
વડોદરા: ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામોની પોલ ચોમાસા પહેલા જ ખુલી ગઈ છે. ખાસ કરીને ખોડીયાર નગર ચાર રસ્તા પાસે પહેલા અધડો ખાડો કરી કામ કર્યું પછી હવે જ્યારે ગમે ત્યારે વરસાદ આવી શકે છે એવામાં રસ્તાની વચોવચ મસમોટા નવા ખાડાઓ પાડી કામ ચાલુ જ છે, જે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યા છે.
🧐કાગળ પર કામગીરી, રસ્તા પર ખાડા:
મ્યુનિસિપલ કમિશનર દ્વારા 20 જૂન સુધીમાં તમામ રસ્તાના કામો પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીંનો મુખ્ય રોડ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે, છતાં તેનું કામ પૂરું થવાનું નામ લેતું નથી. જે કામગીરી થઈ છે તે માત્ર કાગળ પર અને ફોટોશૂટ પૂરતી જ મર્યાદિત દેખાઈ રહી છે. આખા વડોદરા શહેરમાં ઠેર-ઠેર ખોદકામ કરી દેવામાં આવતા શહેર હવે ‘ભુવાનગરી’ જેવું બનાવી દેવાયું છે.
🗣️તંત્રની બેદરકારીથી નાગરિકોમાં રોષ:
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વડોદરામાં કોઈ પણ કામ સમયસર પૂરું થતું નથી. પાલિકાની કામ કરવાની પદ્ધતિ પણ વિચિત્ર છે; એકવાર રોડ રિપેર થાય, ત્યારબાદ ફરી કોઈ નવી કામગીરી યાદ આવે એટલે ફરીથી તે જ રોડ ખોદી નાખવામાં આવે છે. આ પ્રકારના વારંવારના ખોદકામ અને કામગીરીમાં વિલંબને કારણે નજીક માં સ્કૂલ પણ છે છતાં તંત્ર લાપરવાહ વ્યાપારીઓ,વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે.
ચોમાસામાં જ્યારે આ ખાડાઓ પાણીથી ભરાઈ જશે, ત્યારે અકસ્માતની શક્યતાઓ અનેકગણી વધી જશે. શું વડોદરા પાલિકાતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો સાથે શહેરના જાગૃત નાગરિકો હવે વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.