જનતાનો આક્રોશ:કલાલી વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટરના અધૂરા કામોને લઈને સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ.
ટીપી 51 ની બદહાલી:વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા રહીશોએ તંત્ર સામે ગજવ્યા સૂત્રોચ્ચાર.
ચૂંટણી બહિષ્કારનું એલાન:“કામ નહીં તો મત નહીં” – રોષે ભરાયેલા નાગરિકોએ આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો લીધો નિર્ણય.
તંત્રની ઉદાસીનતા:વારંવારની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય; કલાલીના રહીશોએ હવે લડાયક મૂડ અપનાવ્યો.
વડોદરા: વડોદરા શહેરના સ્માર્ટ સિટી હોવાના દાવાઓ વચ્ચે કલાલી વિસ્તારના રહીશોની હાલત કફોડી બની છે. કલાલીના ટીપી 51 વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે આજે રહીશોનો પિત્તો ગયો હતો. રોડ-રસ્તા અને ગટરની ગંભીર સમસ્યાઓનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
❓શા માટે છે આ આક્રોશ?
ટીપી 51 ના રહીશોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી આ વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી અધૂરી હાલતમાં પડી છે. ગટરના કામો પૂરા ન થતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ચોમાસામાં કાદવ-કીચડ અને ઉનાળામાં ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત છે. અનેકવાર કોર્પોરેશન અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન જ મળ્યા છે, કામગીરી આગળ વધી નથી.
🚫ચૂંટણી બહિષ્કારની ચીમકી:
આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્ત્રી-પુરુષોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે તંત્રનો વિરોધ કર્યો હતો. રહીશોએ એકસૂરે જણાવ્યું હતું કે, જો ચૂંટણી પહેલા અમારા વિસ્તારના રોડ અને ગટરના કામો પૂરા કરવામાં નહીં આવે, તો અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. “અધૂરા કામ, અધૂરો વિકાસ – ચૂંટણીનો અમારો બહિષ્કાર” જેવા સૂત્રોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
🧐તંત્ર સામે લાલ આંખ:
સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી સમયે મતો માંગવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી. હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જનતાએ ‘રોડ નહીં તો વોટ નહીં’ નું શસ્ત્ર ઉગામ્યું છે.
🫵હવે જોવાનું એ રહે છે કે કલાલીના રહીશોના આ ઉગ્ર વિરોધ બાદ નિંભર તંત્ર જાગે છે કે પછી ચૂંટણીમાં નેતાઓને જનતાના રોષનો ભોગ બનવું પડે છે.