વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના એક આરોપીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. હરણી રોડના રહેવાસી 63 વર્ષીય જયેશભાઈ પંડ્યા, જેઓ ખટંબા ખાતે બે શ્રમિકોના મોત મામલે જેલમાં હતા, તેમનું આજે ગભરામણ થયા બાદ સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ જેલ અને પોલીસ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ગત 2 માર્ચના રોજ વરણામા પોલીસે જયેશભાઈ પંડ્યાની ધરપકડ કરી હતી અને 5 માર્ચથી તેઓ જેલમાં હતા. આજે સવારે રૂટિન ચેકઅપ બાદ અચાનક તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે જયેશભાઈને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો ખટંબા ખાતે બનેલી એક દુર્ઘટના સાથે જોડાયેલો છે. વુડા (VUDA) ના ડ્રેનેજ પ્રોજેક્ટમાં પેટા કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈ પણ સાધનો વિના બે કામદારો – અક્ષય ભાભોર અને વિપુલ માંગરોલિયાને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. ગેસ ગળતરને કારણે ગૂંગળામણ થતા બંને આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નીપજ્યા હતા.
(કોન્ટ્રાક્ટરોની બેદરકારીની કુંડળી)
મુખ્ય કોન્ટ્રાક્ટર: જયંતિ સુપર કન્સ્ટ્રક્શન (મહેસાણા) – શરતોનો ભંગ કરી પેટા કોન્ટ્રાક્ટ આપ્યો.
ગંભીર ક્ષતિ: માસ્ક, ઓક્સિજન સિલિન્ડર કે સેફ્ટી ગિયર વિના જ કામદારોને ગટરમાં ઉતારાયા હતા.
🧐એક તરફ શ્રમિકોના મોતે તંત્રની બેદરકારી ખુલ્લી પાડી હતી, ત્યારે હવે જેલમાં આરોપીના મોતે નવા સવાલો ઉભા કર્યા છે. શું જેલ પ્રશાસન દ્વારા તેમને સમયસર સારવાર મળી હતી? કે પછી આ મોતના તાર ક્યાંક અન્યત્ર જોડાયેલા છે? તે તો તપાસ બાદ જ બહાર આવશે.