- રૂ ફરી સળગવાની શક્યતાઓ વધારે છે, જેથી તેને છુટું કરી ના દેવામાં આવે ત્યાં સુધી પાણીનો મારો ચલાવવો પડે – નિકુંજ આઝાગ
- ડભોઇ રોડ પર આવેલા એસ્ટેટમાં ભીષણ આગ
- ઓશિકા-ગાદલા બનાવતી ફેક્ટરી તમામ દિશાઓમાંથી આગની ચપેટમાં આવી
- ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતી કાબુમાં લીધી
વડોદરાના ડભોઇ રોડ પર આવેલી રૂની ફેકટરી જોતજોતામાં ભીષણ આગમાં લપેટાઇ ગઇ છે. આજે સવારે ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી પ્રસરી હતી. જેને પગલે સ્થાનિકોના જીવ અદ્ધર થયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા હતા. અંદાજીત 7 જેટલા ફાયર ફાયટરોએ તમામ બાજુઓથી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. જે બાદ સ્થળ પર કુલીંગના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
.
આજે સવારે શહેરના ડભોઇ રોડ પર આવેલા હરિભક્તિ એસ્ટેટમાં શિવરંજની નામની ઓશિકા અને ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં રૂ મોટા પ્રમાણમાં હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. અને ચોતરફ ફેલાઇ ગઇ હતી. સ્થાનિક સુત્રોએ ઉમેર્યું કે, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અને હાલ કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ફાયર ઓફિસર નિકુજ આઝાદે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, એસ્ટેટમાં આગ લાગવા અંગેની જાણકારી મળતા ફાયરની ટીમોને સ્ટેન્ડબાય કરવામાં આવી છે. રૂ મટીરીયલ સ્ટોર કરેલું હોવાથી 7 વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ચાર બાજુથી ઘેરીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. રૂ મટીરીયલ હોવાથી ફરી સળગવાની શક્યતાઓ વધારે છે, જેથી તેને છુટું કરી ના દેવામાં આવે ત્યાં સુધી તેના પર પાણીનો મારો ચલાવ્યે રાખવો પડે. અમે ,સતત કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.