મુસાફરોનો ભારે ધસારો:વડોદરા, ચાંદોદ અને એકતા નગર જતી 30 થી 30 ટ્રેનોના મુસાફરોની હાલત કફોડી.
તંત્રની બેદરકારી:મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની વિકટ સ્થિતિ છતાં રેલવે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં.
ડભોઇ: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ડભોઇ રેલવે સ્ટેશનની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સ્ટેશન પર આવેલા જાહેર શૌચાલયો બંધ હાલતમાં હોવાને કારણે અહીંથી પસાર થતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
♿દિવ્યાંગો માટે મુશ્કેલી:
સૌથી ગંભીર પ્રશ્ન દિવ્યાંગ મુસાફરોનો છે. રેલવે દ્વારા દિવ્યાંગો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા હોવાના બણગાં ફૂંકાય છે, પરંતુ ડભોઇ સ્ટેશન પર દિવ્યાંગ શૌચાલયને તાળા લટકી રહ્યા છે. શારીરિક અક્ષમતા ધરાવતા મુસાફરોએ કુદરતી હાજતે ક્યાં જવું? તે એક મોટો માનવીય પ્રશ્ન ઊભો થયો છે.
👩મહિલાઓ અને 🧓વૃદ્ધો પરેશાન:
ડભોઇ સ્ટેશન પરથી વડોદરા, છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) તરફ જતી આશરે 30 થી 35 ટ્રેનો દરરોજ પસાર થાય છે. દરરોજના હજારો પ્રવાસીઓ આ સ્ટેશનનો ઉપયોગ કરે છે. શૌચાલય બંધ હોવાથી સૌથી વધુ મુશ્કેલી મહિલાઓ, નાનાં બાળકો અને વૃદ્ધોને પડી રહી છે. ત્રણ-ત્રણ દિવસથી સુવિધા બંધ હોવા છતાં સ્ટેશન માસ્ટર કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
🧐તંત્રની ઘોર બેદરકારી:
મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સરકારના ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? પ્રવાસીઓનો આક્ષેપ છે કે રેલવે ટિકિટના દરો તો વસૂલે છે, પણ પાયાની જરૂરિયાત જેવી કે શૌચાલયની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. શું રેલવે પ્રશાસન કોઈ મોટી બીમારી ફેલાય અથવા મુસાફરોનો આક્રોશ ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે?
🫵એક તરફ એકતા નગર જવા માટે પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે, ત્યારે ડભોઇ જેવા મહત્વના સ્ટેશન પર આવી ગંદકી અને અવ્યવસ્થા રેલવેની છબી ખરડી રહી છે.